સુરતઃ વિધાનસભાની ચૂંટણી પહેલા 'આપ' અને કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 'આપ' અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ઉમરપાડા તાલુકાના 'આપ' અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. પૂર્વ મંત્રી અને ઉમરપાડાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે 600 જેટલા કાર્યકર, હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસના હોદ્દેદારો પૂર્વ મંત્રીના હસ્તે ભાજપમાં જોડાયા હતા.


નોંધનીય છે કે, અગાઉ સુરતના પાટીદાર નેતા મહેશ સવાણી અને ગુજરાતી સિંગર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટીને અલવીદા કહી દીધું હતું. વિજય સુંવાળા આપ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. 


આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.


આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો. ઈસુદાને કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમારા બે વિરો અમારો સાથ છોડ્યો છે અને બંને વિરોનો અમે આભાર માનીએ છીએ કેમ કે આ બંને જ્યાં સુધી અમારી સાથે રહ્યા ત્યાં સુધી તેમમે પૂરી તાકાતથી કામ કર્યું. બંનેએ પોતાનું સંપૂર્ણ યોગદાન પાર્ટીને આપ્યું એ બદલ અમે તેમના આભારી છીએ.


AAPમાં આંતરિક વિખવાદ અને હોદ્દાની વહેંચણીના મમાલે થયેલી નારાજગીના કારએ નેતાઓ પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી છોડે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે ઈસુદાને હુંકાર કર્યો હતો કે, અમે અમારી લડાઈ ચાલુ રાખીશું અને મરીશું ત્યાં સુદી લડીશું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરી તાકાતથી લડજો.


રાજીનામાં પર રાજીનામાં વચ્ચે ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે સોમવારે જ કહ્યું હતું કે, હું  પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતા  ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ મોટા નેતા નથી એવી વાતોનો પણ તેમણે જવાબ આપ્યો હતો.


સુવાળા અને સવાણી ઉપરાંત આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.