ગાંધીનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતના પ્રવાસે છે.  કેજરીવાલ આદિવાસી વિસ્તારમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન કરશે અને આદિવાસી સમાજના કેટલાય અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરશે. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે.






 ભાજપ - કોંગ્રેસ બાદ પંજાબની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી પણ આ વર્ષે ગુજરાતમાં ભરપૂર મહેનત કરી રહી છે. ગુજરાતની આદિવાસી સમુદાયની 27 અનામત બેઠકો અને 10 આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બેઠકો પર તમામ પક્ષોની નજર છે. ભાજપ અને કોંગ્રેસ બાદ આ બેઠકો અંકે કરવા આપે પણ ભારતીય રાષ્ટ્રીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન કરી આદિવાસી બેઠકો જીતવા મહેનત શરૂ કરી છે. જેના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ આજે આદિવાસી બેલ્ટમાં પ્રચાર કરશે. છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ આજે એક મંચ પરથી આદિવાસી સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.


અરવિંદ કેજરીવાલે પોતાના ગુજરાત પ્રવાસ પહેલા મોટો ધડાકો કર્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાત મુલાકાત પહેલા કેજરીવાલે આવતા સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ભંગ થવાના અણસાર આપ્યા. કેજરીવાલે કહ્યું કે ભાજપ આવતા અઠવાડિયાએ  વિધાનસભા ભંગ કરીને ચૂંટણીનું એલાન કરવા જઈ રહી છે. આ સાથે જ કહ્યું કે AAPનો આટલો બધો ડર? 






ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં આજકાલ આ પ્રશ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે.