સુરત શહેરમાં ગુનેગારોની હવે ખેર નથી. શહેરમાં 15 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સુરત સીટી ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. આ શહેરની વસ્તી પણ 80 લાખ આસપાસ છે. ત્યારે શહેરને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસે જનભાગીદારીથી શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધર્યુ હતું. જેના પગલે અત્યાર સુધીમાં શહેરમાં 15 હજાર 920 જેટલા સીસીટીવી સોસાયટી, કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર લગાવાયા છે. જેથી ગુનેગારો પર ચાંપતી નજર રાખી શકાય.
પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા અને તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવતું હતું અને હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે.
સુરત શહેર સેક્ટર 1 અને સેક્ટર 2 હેઠળ આવતા ઝોન 1થી 6ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી, કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે.
આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.
નોંધનીય છે કે આ નવા સીસીટીવી કેમેરા પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરાઓ પોલીસને મદદરૂપ થશે.