સુરતમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હાઈ-પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે. હાઈલેવલ કમિટી ટેક્નિકલ બાબતો, ટૂંકા અને લાંબા ગાળા માટે શું કરી શકાય તેનું આયોજન કરશે. હાઈલેવલ કમિટી સર્વેની કામગીરી પણ કરશે. ગઈકાલે જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક મળી હતી. જેમાં મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ખાડીપૂરના નિવારણ માટે કેટલાક સૂચનો રજૂ થયા હતા. ખાડીના પાણીને ડાયવર્ટ કરી તાપીમાં લઇ જવા માટે વિચારણા પર ચર્ચા થઈ હતી. દૂષિત પાણી ખાડીમાં છોડનાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવા, ખાડીઓને નિયમિત રીતે ડિસિલ્ટીંગ કરવા, ખાડીની પહોળાઈ વધારવામાં આવે અને ખાડી નજીક ગેરકાયદે બાંધકામ હટાવવા જેવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

બેઠકમાં સિંચાઈ વિભાગે એવું ચિત્ર રજૂ કર્યું કે, વિકાસના કામોના કારણે ખાડીપૂર આવ્યું છે. જોકે, સી.આર.પાટીલે સિંચાઈ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે જવાબદારી તમારી છે. બેઠકમાં સી.આર.પાટીલે અધિકારીઓને સૂચના આપી કે, જરૂર જણાય તો ઉદ્યોગકારો સામે ક્લોઝર નોટિસ સુધીના પગલા લો. બેઠકમાં જીપીસીબીના અધિકારીઓ પણ હતા, તેમને સેમ્પલ લેવા આદેશ આપવામાં આવ્યો હતો. બેઠકમાં મેટ્રોની કામગીરીના કારણે પાણી ભરાયા હોવાની પણ ચર્ચા કરવામાં થઈ હતી. બેઠકમાં હાજર મેટ્રોના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી કે, મનપાની મંજૂરી વગર મેટ્રોની કોઈ પણ કામગીરી ન કરવી જોઇએ. જ્યાં કામ બાકી છે ત્યાં કામ ઝડપભેર કરી રસ્તા શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

સુરતમાં ઝિંગા તળાવને લઇને પાટીલે અધિકારીઓને ખખડાવ્યા હતા. ઝિંગા તળાવ દૂર ન કરાતા સી.આર પાટીલે અધિકારીઓને ખખડાવ્યા હતા. સી.આર પાટીલે અધિકારીઓને કહ્યુ હતું કે, પત્ર વ્યવહાર બંધ કરો. અગાઉ સૂચના આપી છતાં કામગીરી કેમ ન થઈ? તમારે કામ જ નથી કરવું. હર્ષ સંઘવીએ સિંચાઈ વિભાગને ટકોર કરી હતી કે ખાડીની જવાબદારી તમારી છે. દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો. પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાઈવે પરના ખાડાનો મુદ્દો ગુંજ્યો હતો. સંદીપ દેસાઇએ કહ્યું હતું કે હાઈવે પરના ખાડાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાઈવે પરના ખાડા વહેલી તકે પૂરવા જોઈએ.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે છ મહિના પહેલાથી બેરેકેટિંગ કરી રસ્તા બંધ કરો છો. જ્યાં કામગીરી કરવાની છે ત્યા 4 દિવસ પહેલા રસ્તો બંધ કરો. લોકોની સમસ્યાનો વિચાર કરો. કામગીરી એવી ન કરો કે લોકોની રોજગારી છીનવાઈ જાય.