સુરતઃ મહિલા પોલીસ કર્મી અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા વચ્ચેના બબાલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. ઓડિયો કાનાણીના પુત્ર અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચેની બબાલનો છે. મળતી જાણકારી અનુસાર, ગુરુવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી ત્યાં પહોંચ્યો હતો અને બંન્ને વચ્ચે બબાલ થઇ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી દીધું હતું. ઓડિયો ક્લિપમાં સુનીતા યાદવ કહી રહી છે કે મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તમને કહેવાની સત્તા કોણે આપી. હું તમારી ગુલામ છું. તમારા નોકર છીએ. તમારી પાસે પાવર છે તો મારી બદલી કરાવી બતાવો. મારે ગાંધીનગર જવું છે. બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. અમે 10 મિનિટ મોડા આવીએ તો 2500 દંડ ભરીએ છીએ. કોન્સ્ટેબલ પર ગાળાગાળી કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મારો દીકરો સસરાને નવી સિવિલ લઇ જઇ રહ્યો હતો. મહિલા પોલીસ કર્મીએ ઘટનાની ગંભીરતાને સમજવી જોઇએ. જોકે કુમાર કાનાણીએ મહિલા પોલીસ કર્મી સાથે સહાનૂભૂતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, મહિલા પોલીસ કર્મીએ નોકરી છોડવાની જરૂર નથી.