Ayodhya Ram Mandir News: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે, આને લઇને દેશભરમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ મામલે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઇ ગઇ છે. ભાજપ બાદ હવે શિવસેનિકો પણ અયોધ્યા પહોંચ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મહારાષ્ટ્રની એકનાથ શિન્દે જૂથની શિવસેનાના શિવસૈનિકો રામના દર્શને પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉદ્વવ ઠાકરે જૂથની શિવસેનાએ અયોધ્યા જવાની ના પાડી દીધી હતી. 


મળતી માહિતી પ્રમાણે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ અને ધામ અયોધ્યામાં ભવ્ય તૈયારીઓ આરંભાઇ છે. દેશના વડાપ્રધાન અને યુપીના મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે વળી, હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દે ગૃપની શિવસેના અયોધ્યા પહોંચી છે. શિવસેનાના નેતા કાર્યકર્તા રામ મંદિર પહોંચ્યા છે. એકનાથ શિન્દે શિવસેનાએ જણાવ્યું બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ થયું છે. બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સ્વપ્ન હતું, જેમાં કારસેવકો રામ મંદિરને લઇને બલિદાન પણ આપ્યું હતું.


રામલલાની પ્રથમ તસવીર આવી સામે, ચહેરા પર જોવા મળ્યું અનોખુ તેજ


રામ મંદિરના ઉદ્ઘાટન માટે ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શુક્રવારે (19 જાન્યુઆરી, 2024) રામ લલાની પૂર્ણ તસવીર સામે આવી હતી. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 


રામલલાની મૂર્તિ જોવામાં અદ્ભુત છે. ચહેરા પરનું સ્મિત ભગવાન રામની નમ્રતા અને મધુરતા વિશે જણાવે છે. રામલલાનું સ્વરૂપ વાસ્તવમાં ભગવાન રામ જેવું લાગે છે. પ્રથમ નજરે જ રામલલાની આ પ્રતિમા દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.


આ મૂર્તિમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળે છે. જે રામ ભક્તોને પહેલી નજરે જ આકર્ષે છે. ભગવાન રામના કપાળ પર લગાવેલું તિલક સનાતન ધર્મની મહાનતા દર્શાવે છે. જે દર્શકોને ભક્તિની એક અલગ જ દુનિયામાં લઈ જાય છે.


મૂર્તિમાં ઓમ, ગણેશ, ચક્ર, શંખ, ગદા, સ્વસ્તિક અને હનુમાનની આકૃતિ બનેલી છે. 


ધાર્મિક વિધિઓ કેટલો સમય ચાલશે ?


આ પહેલા 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને રામ મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પછી, 18 જાન્યુઆરી (ગુરુવાર) ના રોજ ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.



રામ મંદિરમાં 16 જાન્યુઆરીના રોજ રામલલાની વિધિ શરૂ થઈ હતી. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે અને રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી દરેક વિધિ કરવામાં આવશે. 121 'આચાર્યો' અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે.


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે. વાસ્તવમાં, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ 51 ઈંચની છે. 


અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ બેન્કો, વીમા કંપનીઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં અડધા દિવસની રજા રહેશે. નાણા મંત્રાલયની સૂચનામાં કર્મચારી અને તાલીમ વિભાગનો આદેશ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓને પણ લાગુ થશે જેથી કર્મચારીઓ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લઈ શકે.


કેન્દ્ર સરકારે શું કહ્યું?


કર્મચારી મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગોને જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, “અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. "જેથી કર્મચારીઓ આ ઉત્સવમાં ભાગ લઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે."