કોરોના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માસ્ક પહેરવું જરૂરી છે અને માસ્ક ન પહેરનારને દંડ કરવાનો હાઈકોર્ટે આદેશ પણ આપ્યો છે. જો કે માસ્ક નહીં પહેરવાની અજાણતા થયેલી ભૂલનુ પણ કેટલાક નાગરિકોને દંડ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં નાગરિકોને માસ્ક મુદ્દો ક્યાય પણ ખોટી કે બિનજરૂરી કનડગત ન થાય એ માટે માગ પણ ઉઠી રહી છે.


શહેરના નાગરિકોની માગને સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વાચા આપી છે. આ જ મુદ્દે નાગરિકો સાથે વધુમાં વધુ સમન્વય સાધી ક્યાય પણ કનડગતની ફરિયાદ ન ઉઠે તેનું ધ્યાન રાખવા સી.આર પાટીલે સુરત મનપાને સૂચન પણ કર્યુ છે. પાટીલ તેમજ અન્ય જનપ્રતિનિધિના સૂચનને ધ્યાનમાં રાખીને સુરત કૉર્પોરેશને માસ્ક નહીં પહેનને પે ટોકેંગે અને કોરોના કો રોકેંગેનો નવા નારો પણ આપ્યો છે. એટલે કે નાગરિકોને માસ્ક મુદ્દે વધારે જાગૃત કરવા સાથે જ અજાણતા કરેલી ભૂલનો દંડ ખોટી રીતે ન વસૂલાય તેનું ધ્યાન રાખવાની સૂચનો આવ્યા છે. એટલું જ નહીં કોરોના મુદ્દે આક્રમક ટેસ્ટિંગ, માસ્ક પહેરીશુ અને પહેરાવીશું જેવા અભિયાનો શરૂ કરવાનો નિર્ણય પણ કરાયો છે.. સારી વાત એ છે કે સુરતમાં જનપ્રતિનિધિઓ તેમજ નાગરિકો અને પ્રશાસન વચ્ચે પણ સંકલન સતત વધી રહ્યુ છે.


સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો. સુરત જિલ્લામાં પ્રથમવાર કોરોનાના કેસે 600નો આંક વટાવ્યો છે. તો એક જ દિવસમાં ચાર દર્દીના મૃત્યુ નિપજ્યા છે. સિટીમાં નવા 501 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 116, લિંબાયતમાં 72, રાંદેરમાં 65 અને ઉધનામાં 62 કેસ છે.


સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 59,850 અને મૃત્યુઆંક 1157 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,564 અને ગ્રામ્યમાં 13,064 મળીને કુલ 56,628 થયો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં ગઈકાલે કોરોના પોઝિટિવ 163 દર્દીઓ પૈકી 75 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટીલેટર,21 બાઈપેપ અને 45 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 59 દર્દીઓ પૈકી 41 દર્દીઓ ગંભીર છે.જેમાં 6 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.