સુરત: બિપરજોય વાવાઝોડાને લઈ સુરત પોલીસે  જાહેરનામું બહાર પાડ્યું છે.    ડુમસ અને સુવાલી બીચ 13 જૂન સુધી બંધ કરવામાં આવ્યા છે.  સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે સુરતના 42 ગામોને એલર્ટ કરાયા છે.  સુરતના હજીરા અને ભાવનગરના ઘોઘા વચ્ચે દરિયામાં ચાલતી રો-રો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.  આજથી 12 જૂન સુધી આ સર્વિસ બંધ રહેશે.  બિપરજોય વાવાઝોડાના કારણે પ્રશાસને આ નિર્ણય કર્યો છે.  સુવાલી દરિયાકિનારે વાવાઝોડાની આંશિક અસર જોવા મળી રહી છે.  ભારે તીવ્રતા સાથે પવન ફૂંકાવાનું શરૂ થયું છે.  સુવાલી દરિયામાં મોજાં ઉછળતા જોવા મળી રહ્યા છે.  


બિપરજોય વાવાઝોડાને લઈ નવસારી જિલ્લા પ્રશાસન ખૂબ જ સતર્ક છે.  દરિયાકાંઠે સહેલાણીઓની મુલાકાત પર 10થી 12 જૂન સુધી પ્રતિબંધ લગાવાયો છે.  આજે ફરવા આવેલા સહેલાણીઓને પોલીસે  પરત મોકલ્યા છે.  દરિયામાં 10થી 15 ફૂટ ઉંચે સુધી મોજા ઉછળ્યા છે. 


વાવાઝોડાને લઇ કલેકટર કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  તમામ ઇમરજન્સી વિભાગને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.  આવનારા દિવસોમાં અધિકારીઓને ઓફિસ પર અચૂક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  


વાવાઝોડાને લઈને ગુજરાતમાં વરસાદની આગાહી


હવામાન વિભાગે  વાવાઝોડાને લઈને વરસાદની આગાહી કરી છે.  આગામી પાંચ દિવસ વરસાદ પડી શકે છે.  આજે વલસાડ, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે.   સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  બે દિવસ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.  આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.  13થી 15 જુન વચ્ચે દરિયા કાંઠે 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.   આવતીકાલથી ધીમે ધીમે પવનની ઝડપ વધશે. હાલ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. આજે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 


પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા


બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે.