સુરત: વિધાનસભભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલટાની સિઝન પૂર જોશમાં છે. તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધુ છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગે ભાજપના નેતા ગણપત વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે. અમારે ના કેવું પડે છે કે હમણાં જગ્યા નથી. છેલ્લે રહી ગયેલા હાર્દિક પટેલ પણ આવી ગયા. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે.  આખા દેશે ભાજપ અને મોદી પર ભરોસો મુક્યો છે. 2022માં 182 સીટ પર કેસરિયો લેહરાશે તેવો ગણપત વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


 



કોંગ્રેસ પર આક્ષેપ કરનારા હાર્દિક પટેલને જીગ્નેશ મેવાણીએ આપ્યો સણસણતો જવાબ
અમદાવાદ: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોંફ્રેન્સ યોજી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસે સ્વતંત્રતા માટે લડાઈ લડી છે. ઉદયપુર ચિંતન શિબિરમાં 'ભારત જોડો' નો સંકલ્પ કરાયો. બેરોજગારી અને મોંઘવારી સામે લડવાનો સંકલ્પ છે. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. હાલમાં જ કોંગ્રેસ છોડીને ગયેલા હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા મેવાણીએ કહ્યું કે, હાર્દિકે ગરિમા જાળવી નહિં. કોંગ્રેસને ગુજરાત વિરોધી કહેવી યોગ્ય નથી. અમારી સરકાર નથી પણ તોય જનતાના મુદ્દા જ ઉઠાવ્યા છે. જીગ્નેશ મેવાણીએ હાર્દિક પર પ્રહાર કરતા કહ્યું, હાર્દિકે બિલો ધ બેલ્ટ વાતો કરી. હાર્દિક કહે છે, સરકારે મોટું મન રાખ્યું, લડ્યા પછી અનામત મળી છે, એમ નથી મળી. તો હવે ભાજપ માટે પ્રેમ કેમ? હાર્દિકે વૈચારિક સમાધાન કર્યું હોવાનો જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે.


જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલે આ પગલું એટલા માટે લીધું કારણ કે તેને ડર હતો કે તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેને જેલમાં જવું પડશે. ઠાકોરે એવો પણ દાવો કર્યો હતો કે પટેલ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ શકે છે. અમદાવાદમાં હાર્દિક પટેલની   પ્રેસ કોન્ફરન્સ યોજીને તરત જ જગદીશ ઠાકોરે આ દાવા કર્યા હતા. હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેને કોઈ અર્થપૂર્ણ કામ આપવામાં આવ્યું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષ પાસે કોઈ વિઝન નથી અને તેનું રાજ્ય એકમ "જાતિ આધારિત રાજકારણ"માં વ્યસ્ત છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ટોચના નેતાઓને મળવા ગયા ત્યારે તેઓ  તેમના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.