સુરતઃ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ જ પોલીસ પર ઉઘરાણી કરવાના આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસોની ડ્રાઈવ રદ કરવાની માંગ કરી છે. કાનાણીએ પત્રમાં લખ્યુ કે સામાન્ય પ્રજા હાલ જ કોરોના બંધનમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ અંતર્ગત દંડની વસુલાત ખુબ જ મુશ્કેલીજનક છે.
કુમાર કાનાણીએ પત્રમાં પોલીસ પર આરોપો લગાવ્યો કે શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને વાહન ચાલકો પાસેથી બેફામ રીતે પૈસાની ઉઘરાણી કરી રહેલ છે. તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલમેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવા માટે ભલામણ કરતો પત્ર લખ્યો છે.
નોંધનીય છે કે, 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહનચાલકને ભારે પડશે. આ માટે રાજ્યની સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ નવા નિયમોનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી 6થી 15 માર્ચ સુધી લાગુ રહેશે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા યોજવા માટે કહેવામાં આવ્યું છે.
સ્પેશિયલ ડ્રાઈવમાં ખાસ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિનાના વાહનચાલક માટે કરવા જણાવ્યું છે. જેમાં પીયૂષ પટેલે પરિપત્ર જાહેર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપવામાં આવી છે. અને જે આ સૂચનાનું પાલન ન કરે તેમને કડક દંડ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ આપવા માટે આ પરિપત્રમાં જણાવ્યું છે. ત્યારે હવે જો આ નવ દિવસોમાં તમે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમને દંડ ભરવો પડી શકે છે.