Central Agency: ગુજરાતમાં અચાનક સેન્ટ્રલ એજન્સીઓએ ધામા નાખતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. ભરુચ,સુરત અને નવસારીમાં એજન્સીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોએ ધામા નાખ્યા છે. આમોદ અને કંથારીયામાં રહેતા પિતા -પુત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ શરૂ કરાઇ છે. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી ભરૂચને ધમરોળી રહી છે. હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમ્યાન હિંટ મળતા એજન્સીઓ ભરૂચ દોડી આવી હતી. આ ઉપરાંત કેટલાક ઉર્દુ સાહિત્યની પણ તપાસ શરૂ કરાઇ છે.
આ નવસારી જિલ્લામાં પણ એનઆઇએની ટીમ તપાસ શરુ કરી છે. જિલ્લાના ડાભેલ ગામે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. અમદાવાદમાં શંકાસ્પદ પ્રવુતિ સાથે સંળાયેલા હોવાની બાતમીના આધારે પૂછપરછ કરવામાં આવી છે. મૂળ અમદાવાદના અને ડાભેલ ગામે રહેતા ઈસમની પૂછપરછ કરવામાં આવી છે.
NIA અને ATSની ટીમે સુરતમાં ધામા
NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ ફેલાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ તપાસ કરવા પહોંચી છે. એક યુવકને પૂછપરછ માટે ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જલીલ નામના યુવકની પુછપરછ કરવામાં આવી છે. કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતના આ યુવકનું નામ ખુલ્યું હોવાની વાત સામે આવી છે. આ યુવક સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવકનું નામ જલીલ છે.
દારુ ન મળતા યુવકનું મોત
બોટાદમાં થયેલા કેમિકલ કાંડ બાદ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં દેશી દારુના અડ્ડા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે દારુના બંધાણીઓ પરેશાન થઈ રહયા છે. હવે વાત સામે આવી છે કે, સુરતના પાંડેસરામાં દારૂ નહીં મળતા એક યુવકનું મોત થયું છે. 35 વર્ષીય શ્યામ નામદેવ કાલખેરનું મોત દારુ ન મળવાથી થયું છે. મૃતક પાંડેસરા પ્રેમનગરનો રહેવાસી છે. છેલ્લા 5 દિવસથી દારૂ ન મળતા યુવકનું મોત થયું હોવાની વાત પરિવારે કરી છે. આ અંગે પરિવારનું કહેવું છે કે, દારૂ ન મળતા યુવક મગજથી અસ્થિર જેવી હાલતમાં આવી ગયો હતો. કોઈ મારવા આવે છે એમ ભ્રમમાં આવી ભાગમ ભાગ કરતો હતો. આજે યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે, તેને બચાવી શકાયો ન હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.