Chandrayaan-3 And Surat: તાજેતરમાં જ 23 ઓગસ્ટે, બુધવારે સાંજે 6.04 મિનીટે ભારતે દુનિયા અને સ્પેસમાં ઇતિહાસ રચી દીધો, આ પળ દરેક ભારતીય માટે ગૌરવની પળ હતી, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટું ફ્રૉડ સામે આવ્યુ છે. ગુજરાતના સુરતમાં એક ડમી-નકલી વૈજ્ઞાનિકે ચંદ્રયાન-3ની ડિઝાઇન ખુદ બનાવી હોવાનો રટણ કર્યુ હતુ, અને મોટી મોટી ગુલબાંગો હાંકતો હતો, જોકે, જ્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ વાતની પુષ્ટી કરવા તપાસ કરી તો સામે આવ્યુ કે આ સુરતનો ઇસરોનો નકલી વૈજ્ઞાનિક જેનું નામ મિત્તુલ ત્રિવેદી છે, જેની તમામ કરતૂતો સામે આવી ગઇ હતી, હાલમાં મિત્તુલ ત્રિવેદી પોલીસના સંકંજામાં છે અને પુછપરછ ચાલી રહી છે, જાણો શું છે સમગ્ર મામલો....


જાણો... નકલી વૈજ્ઞાનિક મિત્તુલ ત્રિવેદી સાથે જોડાયેલો શું છે સમગ્ર મામલો 
ચંદ્ર પર યાન પહોંચાડનાર દુનિયાનો ચોથો દેશ ભારત.. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાનનું સફળ લેન્ડિંગ કરનાર દુનિયાનો પ્રથમ દેશ ભારત.. ઈસરોના વૈજ્ઞાનિકોની ધગશ સાથેની રાત દિવસની મહેનત.. સ્વાભાવિક રીતે જ આ મિશન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામને દેશ જ નહીં, દુનિયા વંદન કરી રહી હતી ત્યારે સુરતનો એક શખ્સ આ જ મિશનને પોતાની પ્રતિષ્ઠા વધારવાનો ઉપયોગ કરતા હોવાનું હવે સ્પષ્ટ થવા લાગ્યું છે.. યાન લેન્ડિંગના બીજા દિવસ સવારથી એટલે કે ગુરૂવારે સવારથી જ સોશલ મીડિયામાં ચર્ચામાં રહેલ સુરતનો મિતુલ ત્રિવેદી.. જેની સામે હવે પોલીસે તપાસ પણ શરૂ કરી છે.. જો કે ગુરૂવારે મીડિયાના કેમેરા સામે મોટી મોટી ગુલબાંગો પોકારનાર મિતુલ ગઈકાલે મીડિયાના કેમેરા જોઈને સુરત પોલીસ કમિશનરની ઓફિસથી ભાગ્યો.. યાનની ડિઝાઈન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરનાર આ ફાકા ફોજદારની તેના શિક્ષક સાથેની વાતચીતનો ઓડિયો સૌપ્રથમ વાયરલ થયો.. કે પછી કહીએ કે વાયરલ કર્યો.. તે ઓડિયોની ફાઈલ એકના બીજા અને બીજાથી ત્રીજાના વોટ્સએપ પર ફરતો થઈને મેનીટાઈમ્સ ફોર્વડેડ સ્ટેટસમાં આવી ગયો.. 




આપની ચેનલ એબીપી અસ્મિતાએ આ જ મુદ્દે તપાસ આદરી.. જેની સાથે મિતુલે વાત કરી હતી તેના શિક્ષકનો સૌપ્રથમ એબીપી અસ્મિતાએ સંપર્ક કર્યો.. પોતાના ચેલાની વાર્તાથી અભિભુત થયેલા એ શિક્ષકનો ઈન્ટરવ્યૂ પણ કર્યો.. બીજી તરફ સવારે નવ વાગ્યાની આસપાસ મિતુલનો ટેલિફોનિક સંપર્ક કર્યો.. ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે મોટી ડંફાસ મારી...


મિતુલ મોટી મોટી વાતો કરીને બેંગ્લોરથી સુરત આવવા નીકળ્યો હોવાની ડંફાસ મારતો રહ્યો. એટલુ જ નહી. કહેતો રહ્યો કે હું સાડા બાર વાગ્યે સુરત એયરપોર્ટ પહોંચીશ.. અને ત્યાં ઈન્ટરવ્યૂ આપીશ.. અમને હવે પૂરી આશંકા થવા લાગી હતી.. અને એ આશંકા ત્યારે દ્રઢ બની જ્યારે મિતુલે સાડા અગિયાર વાગ્યે અમને ફોન કરીને જણાવ્યુ કે હું સુરત પહોંચી ચૂક્યો છુ.. મતલબ મિતુલ ખોટુ બોલી રહ્યો હતો તે સ્પષ્ટ હતુ.. છતાંય મિતુલનો ઈન્ટરવ્યૂ એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલેએ કર્યો.. આ ઈન્ટરવ્યૂમાં પણ મિતુલ મોટી મોટી વાર્તા કરતો રહ્યો.. એબીપી અસ્મિતાની ટીમે ઘણી ચર્ચા બાદ નક્કી કર્યુ કે જ્યાં વાત રાષ્ટ્રની છે.. અને રાષ્ટ્રના સૌથી મોટા મિશનની હોય ત્યારે તેમા એકપણ ટકાની અસ્પષ્ટ વાત ન હોવી જોઈએ.. એટલે જ અમે તે ઈન્ટરવ્યૂ પ્રસારિત ન કર્યો.. જુઓ એ ઈન્ટરવ્યૂમાં મિતુલ કેટલી ડંફાસ મારતો હતો.. જો કે એ ઈન્ટરવ્યૂના અંશ અહીં ચોકડી મારીને પ્રસારિત કરી રહ્યા છીએ.. 




મિતુલનું પોત પ્રકાશવા લાગ્યું હતું. ABP અસ્મિતાને પ્રાથમિક રીતે જે લાગ્યું તેવું જ અનેક અખબારોમાં પણ છપાયું.. મોટા ભાગના અખબારોમાં મિતુલ ફરજીવાડો તો નથી કરી રહ્યોને તેની હેડલાઈન પણ છપાઈ.. જોકે મિતુલ કોઈ પણ રીતે ઈસરો સાથે કે આ મિશન સાથે જોડાયો હોય તેની પુષ્ટિ ક્યાંયથી પણ ન થઈ.. બીજી તરફ દેશના મહત્વના મિશનને લઈ બયાનબાજી કરી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહેલ મિતુલ સામે પોલીસે તપાસ પણ શરુ કરી.. મિતુલને શુક્રવારે પોલીસ કમિશનરની ઓફિસ પર બોલાવાયો.. સૂત્રોનું માનીએ તો મિશન સાથે તે જોડાયો હોવાના કોઈ સબૂત તે રજૂ કરી શક્યો નથી.. એબીપી અસ્મિતાએ પણ મિતુલને તે ઈસરોમાં હાજર હતો તો પછી એ પણ દ્રશ્યોમાં કેમ ન દેખાયો તેનો ગોળગોળ જવાબ આપતો હતો... આવું જ કંઈક મીડિયાએ મિતુલને પૂછ્યું તો તે ભાગમભાગ કરવા લાગ્યો..




મિશન મૂન દેશના વૈજ્ઞાનિકોના પરિશ્રમનું પરિણામ છે.. હરિકોટા હોય કે અમદાવાદ ઈસરોના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની મહેનતની ફળશ્રિતુ તેની સફળતા છે... આ મિશનમાં ગુજરાતની કેટલીક કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યશભાગી બની છે.. તેનું ગર્વ ચોક્કસ છે અને રહેશે.. પરંતુ જો કોઈ ફરજીવાડો કરી વાર્તાઓ કરે તો તે પૂર્ણતહ ખોટું છે... આશા રાખીએ મિતુલના દાવાઓ મામલે તપાસ થાય અને જો તે ખોટો હોય તો તેને જાહેરમાં એવો ખુલ્લો પડાય અને સજા અપાય કે ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે...