અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે સુરતમાં ધરણા કરે તે અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. મળતી જાણકારી અનુસાર, પાટીદાર દીકરી મુદ્દે સુરતના મિનિ બજારમાં કોંગ્રેસનું આજે નારી સ્વાભિમાન આંદોલન હતું. કોંગ્રેસના નેતાઓ ધરણા પ્રદર્શન શરુ થાય એ પહેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી. ધરણા પ્રદર્શનને મંજૂરી મળી ન હોવાથી તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓની સાથે કાર્યકરોની પણ અટકાયત કરી હતી. બેનર જપ્ત કરી કાર્યકરોને પોલીસ વાનમાં લઇ જવામાં આવ્યા હતા.
પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે અમરેલી બાદ સુરતના વરાછાના મિનિ બજારમાં કૉંગ્રેસે આજે નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કર્યું હતું. જો કે, પોલીસે મંજૂરી આપી નથી. ટ્રાફિકની સમસ્યા અને લોકોને હાલાકી પડવાના કારણસર પોલીસે મંજૂરી આપી નહોતી. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કૉંગ્રેસના નેતાઓ નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવાના હતા. વરાછાના મિનિ બજારમાં મંચ બનાવી બેનર લગાવી આંદોલન કરવા માટે કૉંગ્રેસે મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી નહોતી.
કોંગ્રેસે કહ્યું હતું કે આ પોલીસની તાનાશાહી છે. ગુજરાતની જનતાએ જાગવાની જરુર છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી નહોતી. ભીડભાડવાળી જગ્યા હોવાથી ધરણાને મંજૂરી આપી નહોતી. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે દીકરી માટેની લડત ચાલુ રહેશે. અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરીશું. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે શું ગુજરાતની દીકરી માટે મંજૂરી નહીં મળે?. નિર્દોષ દીકરી માટે મંજૂરી નહીં મળે? પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. દીકરી માટે અમે લડત ચાલુ રાખીશું. આંદોલનથી દેશને આઝાદી મળી છે.
નોંધનીય છે કે બેટ દ્વારકામાં ગઇકાલે કરવામાં આવેલા મેગા ડિમૉલિશનના પડઘા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. બેટ દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી બાદ હવે સોશ્યલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' પર હર્ષ સંઘવીને ધમકી મળી છે.