SURAT :કેન્દ્ર સરકારે ઘઉં બાદ ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ મુક્યો છે. ખાંડની નિકાસ પરનું નિયંત્રણ ખેડૂતો માટે નુક્સાનરૂપ સાબિત થશે. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓનું ખાંડ ઉત્પાદન વધ્યું છે. તો બીજી બાજુ ખાંડની નિકાસ પર નિયંત્રણ આવતા ઘરેલું બજારમાં ભાવ ઘટ્યો છે. સરકારનો નિર્ણય ખેડૂતો અને ખાંડ ઉત્પાદન કરનારી સહકારી સંસ્થાઓ બન્ને માટે નુક્સાનકારક સાબિત થશે.
આ અંગે ખાંડનું ઉત્પાદન કરનારા એક ખેડૂત દર્શન નાયકે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે તેની દેશમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મોટી અસર થશે. દેશમાં ખાંડનું ઉત્પાદન 480 લાખ ટનની આસપાસ થાય છે, તેની સામે ભારતમાં ખાંડની જરૂરિયાત 280 લાખ ટન છે. 100 લાખ ટન જેટલો ખાંડનો બફર સ્ટોક હાલમાં પણ જોવા મળે છે. આવનારા સમયમાં સરેરાશ 300 લાખ ટનનું ખાંડ ઉત્પાદન થવાની સંભાવના છે, તેની સામે 280 લાખ ટનની જરૂરિયાત છે. એટલે કે દેશમાં નિકાસ લાયક ખાંડનો મોટો જથ્થો ઉપલબ્ધ થશે. આવામાં ખાંડની નિકાસ પર પ્રતિબંધથી સહકારી સુગર ફેક્ટરીઓને મોટા પ્રમાણમાં અસર થશે.
ખાંડની નિકાસ પર પ્રતિબંધથી ખાંડ ઉત્પાદન માટે બેંકો પાસેથી જે ઓવરડ્રાફ્ટ લેવામાં આવે છે, તેના પર વહીવટી ઉત્પાદન ખર્ચ પણ સહકારી સંસ્થાને આવનારા દિવસોમાં વધવનો છે.
ખાંડ ઉત્પાદકોની માંગ છે કે ખાંડમાં જે FRPની 3100 રૂપિયાની રકમ છે તેમાં વધારો થવો જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં ખેડૂતોને ખાંડનો ભાવ ઓછો મળશે આવી ભીતિ સેવાઈ રહી છે. આ સાથે જ ખાંડ નિકાસ પર પ્રતિબંધથી સહકારી સુગર ફેક્ટરીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે. 24 મેના રોજ, સરકારે ચાલુ માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં ખાંડની નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરતી સૂચના જાહેર કરી હતી. 1 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે વિશેષ મંજૂરી સાથે નિકાસને મંજૂરી આપવામાં આવશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ખાંડની નિકાસ 2016-17માં લગભગ 50,000 ટનથી વધીને આ વર્ષે 1 કરોડ ટન થઈ છે. જે અત્યાર સુધીની સૌથી વધુ છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરની તહેવારોની સિઝન દરમિયાન ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે.