સુરત: શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટરે પાણી ભરાયાનું પણ ગૌરવ લીધું છે. સોશિયલ મીડિયા પર ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ કરીને સુરતના વરસાદી પાણીના ફોટા મૂકતા વિવાદમાં આવ્યા છે.મ તદારોએ ટ્રોલ કરતાં પોસ્ટ ડિલીટ કરી હતી.
ભાજપના શાસકોના સતત પોતાની પીઠ પોતે જ થાબડતાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતમાં પણ એવા અનેક ઉત્સાહી શાસકો છે કે, જે પોતાની જ કામગીરીનાં વખાણ પોતે કરે છે અને અંતે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. આવો જ વધુ એક હાસ્યાસ્પદ કિસ્સો સુરતથી સામે આવતા તે હાલ રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યો છે.સુરતમાં મુશળધાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યાં છે, લોકોને ભારે હાલાકી થઈ રહી છે. કોર્પોરેશનની કામગીરી ઉપર એક તરફ પ્રશ્નો ઊઠી રહ્યા છે પરંતુ,બીજી તરફ ભાજપના વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટરે તો હદ વટાવી દીધી.
રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવા છતાં જાણે આફતમાં જ પોતાની પ્રસિદ્ધિનો અવસર શોધતા હોય તેવી રીતે પોસ્ટ કરી હતી. વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ અને ઠેર-ઠેર પાણી ભરાયેલા ફોટા અપલોડ કર્યા. મહિલા કોર્પોરેટર પોતાની સ્વપ્રસિદ્ધિ કરવા ગયાં અને ભરાઈ ગયાં. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ઝાટકણી કાઢી હતી.
નોંધનીય છે કે, વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે અતિ ઉત્સાહમાં આવીને પોતાના વિસ્તારમાં ભરાયેલા પાણીના ફોટા પોતે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા. આ ફોટામાં સ્પષ્ટપણે દેખાતુ હતું કે, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયાં છે અને તેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે ત્યાંથી વાહનચાલકો જે પસાર થતાં દેખાઈ રહ્યા છે, તેમને પણ વાહન હંકારવામાં મુશ્કેલી થઈ રહી છે. સિટી બસ જે પસાર થઈ રહી છે તે પણ વધુ પડતાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં કોર્પોરેટર પાણી ભરાયાનું પણ ગૌરવ લઈ રહ્યાં હોય તે માનસિકતા ખૂબ જ હાસ્યસ્પદ જણાય છે. કોર્પોરેટર તરીકે પોતાના વોર્ડમાં જે સમસ્યા ઊભી થઈ છે, તેને પણ પોતાની સિદ્ધિ માનતા હોય તે રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ભાજપના કોર્પોરેટર જ્યોતિ પટેલે સ્વપ્રશંસાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા જોવા જેવી થઈ ગઈ હતી. આખરે તેમને ભૂલ સમજાતાં તેમણે કરેલી સોશિયલ મીડિયાની પોસ્ટ ડિલીટ મારી દીધી હતી.