સુરત: રખડતા ઢોરને કારણે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. ઓલપાડ તાલુકાના શેરડી ગામના રહેવાસી અને સહકારી આગેવાન હેમંત પટેલને 48 દિવસ પહેલા આખલાએ અડફેટે લીધા હતા. સુરત બાદ મુંબઈ સુધી તેમની સારવાર કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે રાત્રે તેમનું નિધન થઈ ગયું. હેમંત પટેલના નિધનને લઇ સહકારી આલમમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
માથાના ભાગે ઈજા થવાના કારણે બ્રેન હેમરેજ થયું હતું
સુરત જિલ્લામાં દિવસે દિવસે રખડતા ઢોર, રખડતા ડુક્કરોનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યો છે. આ રખડતા ઢોર એન ડુક્કરનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ઓલપાડ તાલુકાના શેરડી ગામના રેહવાસી અને સહકારી આગેવાન તેમજ કામરેજ સુગર મિલના ઉપ પ્રમુખ હેમંત પટેલ દોઢ મહિના પહેલા ઘરેથી કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક આખલાએ તેમને અડફેટે લીધા હતા, આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને માથાના ભાગે ઈજા થવાના કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું, છેલ્લા 48 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી, જોકે તબિયતમાં કોઈ સુધાર નહી આવતા પરિવારના સભ્યો તેમને સારવાર અર્થે મુંબઈ પણ લઇ ગયા હતા અને મુંબઈથી ઘરે આવ્યાના બીજે દિવસે જ તેમનું નિધન થઇ ગયું હતું. પ્રસાશનની લાપરવાહી અને રખડતા ઢોરને કારણે પરિવાર પર જાણે અચાનક આભ ફાટ્યું હોઈ તેવી પરિસ્થતિ સર્જાય હતી. આ ઘટનાને લઇ સુરત જિલ્લાના સહકારી આલમ શોકમગ્ન બન્યો હતો.
આ પહેલા અકસ્માતમાં મહિલા અને યુવક ઈજાગ્રસ્ત થયા હતા
હાલમાં થોડા દિવસ પહેલાજ ઓલપાડ તાલુકાના કીમ ગામે રખડતા ડુક્કરને કારણે 2 અકસ્માતની ઘટના બની હતી, એક યુવક અને એક મહિલા અલગ-અલગ દિવસે કીમ ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન ડુક્કર દોડીને વચ્ચે આવી જતા બંને અકસ્માતમાં યુવક અને મહિલા બંને ઈજાગ્રસ્ત થાય હતા, નસીબ જોગ યુવકને વધારે ઈજા થઇ નહોતી પરંતુ મહિલા એટલી ભાગ્યશાળી નહોતી, મહિલાને માથાના ભાગે ઈજા થતા મહિલા આજે જીવતી લાશ બની ગઈ છે , મહિલા એક માત્ર પરિવારનો સહારો હતી.
રખડતા ઢોર બાબતે થોડા સમય પહેલા ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા એક સૂચના તાલુકાના દરેક પંચાયતમાં લેખિતમાં આપવામાં આવી હતી અને આ સૂચનામાં રખડતા ઢોર બાબતે કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ ઓલપાડ તાલુકાની એક પણ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
Banaskantha: 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ