સુરતઃ સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને સુરત મનપા આક્રમક બન્યુ છે. ડાયમંડ યુનિટોને બંધ કરાવ્યા બાદ સુરત મનપાએ ટેક્સટાઈલ માર્કેટ પર તવાઈ બોલાવી છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાં પાંચ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. અભિષેક માર્કેટમાં ત્રણ દુકાનો,રઘુકુળ માર્કેટમાં એક દુકાન ,જ્યારે ન્યુ લકી માર્કેટમાં પણ એક દુકાનને મનપાની ટીમે સીલ કરી દીધી હતી. જે દુકાનોમાંથી કોરોના પોઝિટીવ કેસ મળ્યા તેને સીલ કરવામાં આવી છે. ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી ટેક્સટાઈલની દુકાનોને સીલ કરી દીધી છે. જો આગામી દિવસોમાં કોરોનાના નવા પોઝિટીવ કેસ નોંધાશે તો આખા માર્કેટને સીલ કરી દેવામાં આવશે


મહત્વનું છે કે સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી,ઝંખના પટેલ,વિવેક પટેલ હાજર રહ્યા હતા. ડાયમંડ ઉદ્યોગમાં સતત કોરોના પોઝિટિવ કેસો આવતા કતારગામ અને વરાછા વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા હતા.જેમાં ડાયમંડ કારખાના,બજારો બંધ કરાયા છે.

નોંધનીય છે કે સુરતમાં આજે અત્યાર સુધીમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતા. જેમાં કામરેજ તાલુકામાં 7 ,ઓલપાડમાં 5 ,પલસાણામાં 7,ચોર્યાશીમાં 9 અને બારડોલીમાં 2 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી સુરત જિલ્લાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 787 પહોંચ્યો હતો.