SURAT : સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ (Takshashila Fire)ની ગોઝારી ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી (Jatin Nakarani) ની સ્થિતિ હાલ ખરાબ છે. આ અગ્નિકાંડમાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી કોમામાં સારી પડ્યો હતો. બે મહિના સુધી કોમામાં રહ્યા બાદ હાલ જતીન કોમામાંથી બહાર આવી ગયો છે, જો કે જતીનને હજી પણ પેરાલીસીસની અસર છે. 15 બાળકોનું અમૂલ્ય જીવન બચાવનાર જતીન નાકરાણી અને તેના પરિવારની આર્થિક સ્થિતિ હાલ ખરાબ છે. જતીન નાકરાણી પર 42 લાખની લોન છે, પણ પેરાલીસીસની સ્થિતિમાં આ લોનની ભરપાઈ કેવી રીતે થાય એ એક મોટો પ્રશ્ન છે. જતીન નાકરાણીના પરિવારે આ માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે.
સી.આર.પાટીલે 5 લાખનો ચેક આપ્યો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલે (CR Patil) બજરંગ નગર ખાતે આવેલા જતીન નાકરાણીના ઘરે જઈ તેની અને પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુરત (Surat BJP) ભાજપ દ્વારા જતીનના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. તેમજ સી આર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જતીનના ઓપરેશનના તમામ ખર્ચ માટે મદદ કરવામાં આવશે.
જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો
તક્ષશિલા અગ્નિકાંડમાં CID ફેશન ડિઝાઈનરના ડિરેક્ટર જતીન નાકરાણીએ એક હીરોની માફક 15 બાળકોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો અને મગજના ભાગે ઇજા થતા જતીન યાદશક્તિ ખોઈ બેસ્યો હતો. જતીને કૂદકો મારતા તેના હાથે ફ્રેક્ચર પણ થયું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે 24 મે 2019માં સુરતની તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદકો માર્યો હતો.