Surat : બ્રિજનગરી સુરતમાં દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ (Sahara Darvaja Multi Layer Bridge)નું લોકાર્પણ કર્યું. આ મલ્ટી લેયર બ્રિજથી સુરતના 15 લાખ જેટલા લોકોને ફાયદો થશે. 


જાણો સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ વિશે 
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ છે. આ બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે બનાવાવમાં આવ્યો છે. આ થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાઈઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પર કરીને જય શકાશે. 


દેશના સૌ પ્રથમ થ્રી લેયર બ્રિજ સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજના લોકાર્પણ થવાથી સુરતીઓમાં આંનદની લાગણી છવાઈ છે. આ બ્રિજના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિજની લંબાઈ 2.5 કિલોમીટર છે. આ સાથે જ તે સુરતનો સૌથી ઊંચો બ્રિજ છે. આ બ્રિજથી 15 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે. 






સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન 
સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર અંદાજિત 133 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે આજે 19 જૂને સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. 


આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  વિનોદ મોરડિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.