નવસારીઃ જિલ્લામાં સાઇબર ક્રાઇમના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારી તાલુકાના ખેરગામ ખાતે રહેતા નિરલ એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કેબીસીના નામે 25 લાખ જીત્યા છો તેવો ફોન કરી, વિડીયો મોકલી ૧.૩૯ લાખ પડાવી ગરીબ યુવાને મરવા મજબૂર કર્યો છે.
નીરલ હળપતિએ અન્ય લોકો પાસે દેવું કરી અરુણ ગોબિંદ નામના વ્યક્તિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેકપોટના નાણાં જમા ન થતા અને નાણાભીડમાં આવી અંતે ૨૨ વર્ષીય નીરલ હળપતિએ જીવન ટૂંકાવ્યું છે. યુવકને છેતરવા માટે આરોપીએ કેબીસી જેવી દેખાતી ઓફિસથી વિડિયો મોકલ્યો હતો. તેમજ રૂપિયાના બંડલો સાથેનો વીડિયો પણ મોકલ્યો હતો. એટલું જ નહીં, યુવકને જેકપોટ જીત્યા હોવાનું સર્ટિફિકેટ પણ મોકલાયું હતું.
નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા નિરલ નાનુભાઈ હળપતિ (ઉં.વ. 22) માતાપિતા સાથે રહેતો હતો અને નવસારીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે 4 માસ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. નિરલ હળપતિએ દેવું વધી જતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. KBCના નામે 25 લાખ જીત્યા છો એમ અજાણ્યા લોકોએ ફોન પર વાતચીત કરીને ફોટા અને દસ્તાવેજો મગાવીને વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું સરકારી પ્રમાણપત્ર બનાવી આપીને ટેક્સના નામે નાણાંની ઉઘરાણી ફોન પર ચાલુ કરી હતી, જેમાં આ યુવાને ટુકડે ટુકડે અને લોકો પાસે ઉધાર માગી રૂ. 1.39 લાખ જેટલી માતબર રકમ અરુણ ગોબિંદ નામની વ્યક્તિના ખાતામાં ઓનલાઇન ભર્યા હતા.
જેકપોટનાં નાણાં જમા ન થતાં નાણાભીડમાં આવી અંતે 22 વર્ષીય નિરલ હળપતિએ જીવન ટૂંકાવ્યું હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.