સુરત: શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવી ગયા છે. આપના કાર્યકરો સુરત ખાતે ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. હવે આ મામલે આપના 25થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ આપથી ડરે છે. ભાજપ કાર્યલય ખાતે ગુંડા બોલાવામાં આવ્યા છે. આપ હમેંશા લડતી રહેશે.


તો બીજી તરફ સુરત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. સુરતની ઘટના બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનદર ખાતે પોલીસ બંદોબસ્ત વધારાયો છે. ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો કમલમ બહાર ખડકી દેવામાં આવ્યો છે. સુરતની ઘટનાને જોતા કમલમ ખાતે આપનું વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ ખાતે ગાંધીનગરના કાર્યકર્તાઓને પણ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા.


નોંધનિય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવક પર પોલીસે કરેલ દમન ગુજાર્યોનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકરોએ  ભાજપ કાર્યાલયે ઘેરાવ કર્યો હતો. એવો પણ આરોપ છે કે, પાલિકાના માર્શલો દ્વારા આપના નગરસેવકનું ગળું દબાવાયું હતું. આ ઉપરાંત મહિલા નગરસેવકના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા આપના નગરસેવકોની ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેથી આજે આપના નગરસેવકો અને કાર્યકરો મોટી સંખ્યામાં સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.


નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા


જામનગર: ગુજરાતના જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તેને લઈને રોજે રોજ નવી નવી અટકળો થતી રહે છે. નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, તેની તારીખ હજી સુધી સામે આવી નથી. તો બીજી તરફ હવે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે.