Surat : સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દિકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ઉજળું કર્યું છે. 70 ટકા દિવ્યાંગ હોવા છતાં રત્નકલાકારની પુત્રી રિન્કુ જોરારામ દેવાસી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી.  ગૃહરાજ્ય મંત્રી અને  રમતગમત મંત્રી હર્ષ સંઘવીને આ સમાચારની જાણ થતા તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુઅલમાંથી સમય કાઢીને રિન્કુના  ઘરે જઈ શુભકામના પાઠવી હતી. 


રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં  સુરતની સ્પેશીયલ ચાઇલ્ડ રીંકુ જ્યારે 200 મીટર દોડની ફાઇનલમાં પ્રદર્શન કરવા અમદાવાદની યાત્રા ખેડી રહી હતી ત્યારે બસમાં તેને ઉલ્ટીઓ શરૂ થઇ. ફાઇનલના એક દિવસ અગાઉ સ્થિતી ગંભીર બની. આ સ્થિતિમાં બસમાં પિતા સાથે બેસેલા સહયાત્રી પ્રોફેસર નવિને  તેમની મદદ કરી હતી. 




બીજાને હંમેશા મદદ કરવાના પોતાના સ્વભાવને કારણે પ્રોફેસર નવિને તે રાત્રે રિન્કુ  અને તેના પિતાને બસ સ્ટોપ પર સુઈ જવાની જગ્યાએ પોતાના ઘરે લઇ ગયા હતા અને ત્યાં સુવડાવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતે આ બંનેને લઈને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે લઇ ગયા હતા. જ્યાં રત્નકલાકારની દિકરી રિન્કુએ 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો.  જેને કારણે રિન્કુ પિતા પણ પ્રોફેસરના આભારી થયા હતા. કે જો બસમાં અને ત્યારબાદ રાત્રી દરમિયાન પ્રોફેસરે તેમને મદદ ન કરી હોત તો તેમની દીકરી ને મળવું જોઈએ તે પ્રમાણેનું પરિણામ ન મળી શક્યું હોત.


આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાના વ્યસ્ત સમયમાંથી રિન્કુ અને પ્રોફેસર નવિનને મળવા માટેનો સમય કાઢ્યો હતો અને રિન્કુના  ઘરે જઈને તેના માતા-પિતાને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને રિન્કુને  શુભકામનાઓ સાથે પ્રોત્સાહન આપ્યું હતું.