SURAT  : સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. નેચરલ હીરા માટે જાણીતા સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી લેબગ્રોન સિન્થેટિક ડાયમંડની ચમક વધી છે. નેચરલ હીરાનો ગ્રોથ રેટ 48.80 ટકા લેખે જ્યારે લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ 105.53 ટકા લેખે થયો છે


દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડના કામમાં જોડાયા 
છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબ્રોન હીરામાં જોડાઈ ગયા છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવવા અને લેફ્ટલેબગ્રોન ડાયમંડ કટ અને પોલીસિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટાપાયે થઇ રહ્યું છે. સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડના કામોમાં જોડાઈ ગયા છે. 


નવી પોલિસીને કારણે નિકાસ વધી 
હીરાઉધોગકારો માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબગ્રોન ડાયમંડનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. હીરાઉધોગના પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતને કટ અને પોલિશિંગનું કેન્દ્ર માનવામાં આવે છે. બે ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનો વેપાર ઓછો હતો જોકે ત્યારબાદ સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જાહેર  કરવામાં આવતા અને ઉદ્યોગકારોની મહેનતને લીધે તેનો નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધી  છે.


નેચરલ હીરા કરતાં ઓછું રોકાણ 
નેચરલ હીરા કરતાં લેબગ્રોન ડાયમંડમાં  ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરાઉધોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે. સુરતમાં ચીનથી આવતા સીડી હીરા પર કટ અને  પોલિશિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે, તે ઉપરાંત કેટલાંક  મોટા ઉધોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવી પણ રહ્યાં  છે. ઉત્તર ગુજરાતમાં પણ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનનું કામ શરૂ થયું છે


યંગ જનરેશનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધારે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના લેબગ્રોન ડાયમંડની અમેરિકામાં સારી ડિમાન્ડ છે. મોટા પાયે ત્યાંજ નિકાસ કરવામાં આવે છે. નેચરલ હીરાની સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ નવી તકો ઊભી થઈ છે. યંગ જનરેશનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધારે છે. જે લોકો રિયલ ડાયમંડની ખરીદી નથી કરી શકતા તે પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે