સુરતઃ રવિવારે સુરતના સીંગણપોર વિસ્તારમાં 33 વર્ષનો એક વ્યક્તિ દારૂના નશામાં મોબાઈલ ટાવર ચડી ગયો હતો ત્યાર બાદ તેણે ધમાલ મચાલી નાખી હતી. અંદાજે એક કલાક સુધી ચાલેલા આ નાટક બાદ ફાયર વિભાગની ટીમે હોઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી માનસિક રીતે અસ્થિર અને દારૂના નશામાં રહેલા યુવકનું રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યો હતો ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો.

મોબાઈલ ટાવર પર યુવકને ચઢતા જોઈને નીચે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. યુવક દારૂના નશામાં મોબાઈલ ટાવર સ્ટન્ટ કરી રહ્યો હતો. કેટલાક લોકોએ તો પોતાના મોબાઈલમાં જ યુવકનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. જે જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સુરતના સીંગણપોર વિસ્તારમાં સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ ટાવર પર યુવકને ચઢતા જોઈને નીચે ઉતરવા માટે બૂમા બૂમ કરી હતી જોકે તે યુવક નીચે ઉતર્યો નહતો. ત્યાર બાદ ટાવર પર ચઢીને તે થોડો સમય ઊભો રહ્યો અને પછી બૂમો પાડવા લાગ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ 11.21 વાગ્યે ત્યાં પહોંચી ગઈ હતી અને જો વ્યક્તિ નીચે કૂદે છે તો તેને નેટ વડે કેચ કરી લેવા માટેનું પણ આયોજન કરી લીધી હતી જોકે હાઈડ્રોલિક દ્વારા વ્યક્તિને નીચે ઉતારવામાં આવ્યો હતો.