સુરત: નાસીરનગર ડિમોલિશન મામલે હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરીને દાવો કર્યો છે કે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના નિર્દેશ પર કરવામાં આવી હતી. પોતાના દાવાને સમર્થન આપવા માટે તેમણે વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો સહિતના ડિજિટલ પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

Continues below advertisement

એફિડેવિટ મુજબ, 21 મે 2026ના રોજ કમિશનર તરફથી વોટ્સએપ પર "Complete this ASAP" લખેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેના જવાબમાં સુજલ પ્રજાપતિએ "જી સર" લખીને સૂચન સ્વીકાર્ય હોવાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ 29 મેના રોજ રોડ સરફેસ સંબંધિત PDF ફાઇલ શેર કરવામાં આવી હતી, જ્યારે 30 મેના રોજ ડિમોલિશન પૂર્ણ થયા બાદ સ્થળનો "After" વીડિયો કમિશનરને મોકલવામાં આવ્યો હતો. દાવા મુજબ વીડિયો જોયા બાદ કમિશનરે "OK" લખીને જવાબ આપ્યો હતો.

Continues below advertisement

સુજલ પ્રજાપતિએ વધુમાં દાવો કર્યો છે કે ડિમોલિશન બાદ પણ તેમની અને કમિશનર વચ્ચે સતત સંપર્ક રહ્યો હતો. જૂન મહિનામાં બંને વચ્ચે અનેક વોટ્સએપ કોલ થયા હતા તેમજ સમાચારની લિંક્સ પણ શેર કરવામાં આવી હતી. જોકે 14 જૂન બાદ કમિશનરે તેમની સાથે અંતર જાળવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ અનેક ફોન કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું પણ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ઉલ્લેખનીય છે કે 30 મેના રોજ સુરતના નાસીરનગર વિસ્તારમાં અંદાજે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા હતા. આ કાર્યવાહી સામે અસરગ્રસ્ત રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઉ હાઈકોર્ટે પ્રાથમિક અવલોકનમાં આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા વિના કરવામાં આવી હોવાનું નોંધ્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અંગે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે SMCએ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ શરૂ કરી છે.

હાલ ગુજરાત હાઈકોર્ટે સુજલ પ્રજાપતિના આક્ષેપોને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે કોર્ટમાં રજૂ થયેલા વોટ્સએપ ચેટ, વીડિયો અને અન્ય ડિજિટલ પુરાવા આ સમગ્ર કેસમાં કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય છે તેના પર સૌની નજર છે.