Obscene dance at Fagotsav Surat: સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે યોજાયેલ એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ફાગોત્સવ દરમિયાન અશ્લીલ ડાન્સ થતો જોવા મળ્યો છે, જેના કારણે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમણે નાચગાનની સાથે અશ્લીલ હરકતો કરી હતી. વીડિયોમાં વેપારીઓ પણ યુવતીઓ પર નોટો ઉડાવતા સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના બાદ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) ના પ્રમુખે આ કૃત્યને સભ્ય સમાજને ન શોભે તેવું ગણાવીને સખત શબ્દોમાં વખોડ્યું છે.
સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાં વેપારીઓ દ્વારા ફાગોત્સવના નામે અશ્લીલતાથી ભરપૂર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થયેલી અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો વાયરલ થતાં જ વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વેપારી આલમમાં ભારે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા વેપારીઓએ વાયરલ વીડિયોમાં અશ્લીલ હરકતો કરતા વેપારીઓ સામે ફિટકાર વરસાવ્યો છે. દુ:ખની વાત એ છે કે, એક તરફ શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આવા સમયે વેપારીઓની આ પ્રકારની હરકતથી સમગ્ર વેપારી આલમનું માથું શરમથી ઝૂકી ગયું છે.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "સભ્ય સમાજને ન શોભે તેવી આ અશ્લીલતા છે. સામાજિક અને કલ્ચરલ કાર્યક્રમો થવા જોઈએ, પરંતુ આવા કાર્યક્રમોમાં આ પ્રકારની અશ્લીલતા બિલકુલ યોગ્ય નથી. વેપારીઓની પણ એક પ્રતિષ્ઠા હોય છે અને વેપારીઓને આ પ્રકારનું અશોભનીય વર્તન શોભતું નથી. આ વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તે પારિવારિક સમાજના લોકો પણ જોઈ શકે તેવા નથી, એક પ્રકારે બીભત્સ દ્રશ્યો છે. તમામ વેપારીઓને અપીલ છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન ટાળે. માર્કેટમાં આગની દુર્ઘટનામાં વેપારીઓને પહેલેથી જ કરોડોનું નુકસાન થયું છે, જેના કારણે સૌ વેપારીઓમાં દુઃખની લાગણી છે. આવા સંજોગોમાં આ પ્રકારનું વર્તન વેપારીઓને છાજે તેવું નથી." કૈલાશ હકીમે સામાજિક અને કલ્ચરલ કાર્યક્રમોની આડમાં આવી અશ્લીલ હરકતો ન કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો...