સુરતમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે દરોડા પાડીને 10 બોગસ ડોક્ટર પકડી પાડ્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. તેણે બોગસ ડિગ્રીઓ વહેંચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.
બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી 2019થી કોંગ્રેસના ડોક્ટર સેલ સુરતનો ચેરમેન હતો. રસેશ ગુજરાતીની નિમણૂંક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રસેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો.
ડૉક્ટર હેમાંગ વસાવડાએ જાણો શું કહ્યું ?
કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યુ છે કે, રશેષ ગુજરાતી વર્ષ 2018-19માં કોંગ્રેસમાં સક્રિય હતા. પરંતુ 2019 પછી તેઓ કોંગ્રેસમાં સક્રિય નથી. છેલ્લા 4 વર્ષથી તેઓએ કોઇ પ્રસંગમાં હાજરી આપી નથી અને કોઈ અન્ય પ્રસંગમાં પણ આવ્યા નથી. તે સંપૂર્ણ નિષ્ક્રિય છે.
ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેષ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. 2021 માંથી તેઓ કોંગ્રેસના સભ્ય પદ પરથી પણ તેમણે રાજીનામુ આપ્યું છે. રશેષ ગુજરાતી બોગસ ડોકટરોની ફેક્ટરી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 2019 માં જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નહોતો. ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1955, BNS ની જરૂરી કલમ લગાડી રશેષ ગુજરાતી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા
સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. તેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે.