સુરત: સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કારણ હતું રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો વિરોધ.સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ-હજીરા વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના મતે રેલવે લાઈનથી દામકા, વાંસવા, સુંવાલી, રાજગીરી, મોરા અને ભટલાઈ સહિતના ગામ બે ભાગમાં વહેંચાઈ જશે અને તેમને મોટું નુકસાન થશે.
જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે
ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે. એટલું જ નહીં CRZ કાયદાની બીક બતાવવામાં આવે છે. ખેડૂતોના મતે પડતર જમીન હોવા છતાં તેમની જ મહામૂલી જમીન પર રેલવે લાઈન નાંખવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ
કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા-ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાંખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જેની કામગીરી પણ હાલ ચાલી ચાલી રહી છે.કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે
રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી.
ખેડૂતોએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આશ્ચયજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સને નારેબાજી કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે,તેનો જ ઉપયોગ કરવામાં આવે.નવી રેલવે ટ્રેક લાઈનની કોઈ જરૂર રહેતી નથી.
લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજુઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial