સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઉનગામમાં છેલ્લા ઘણાં સમયથી સલમા નામની એક મહિલા જુગારનો અડ્ડો ચલાવતી હતી. જોકે આ અગાઉ સલમા દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી. દારૂનો અડ્ડો બંધ કરીને તેણે જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. વર્ષ 2017માં સલમાએ યુસુફ નામના એક યુવક સાથે બીજા લગ્ન કર્યાં હતાં.
જોકે આ લગ્ન એક જ વર્ષમાં તૂટી ગયા હતા. ત્યાર બાદ સલમા યુસુફના સંબંધી સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. જેની જાણ યુસુફને થઈ હતી. જેના કારણે યુસુફે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.
યુસુફ તેના બે સાગરીતો સાથે સલમાના ઘરની નજીક પહોંચ્યો હતો. જ્યાં મોડી રાત્રે સલમા કાર લઈ તેના ઘર પાસે પહોંચી ત્યારે કારમાંથી બહાર નીકળતાં જ યૂસુફ અને તેના સાગરીત સલમા પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ સલમાનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસને થતાં ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે યુસુફ તથા તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.