Surat News: રાજ્યમાં આકાશમાંથી આગ વરસી રહી છે. એવામાં ગુજરાતમાં આગની ઘટનામાં પણ વધારો થયો છે. આણંદમાં 3 જગ્યા પર રાત્રે આગનો બનાવ બન્યો હતો. જે બાદ આજે સુરતમાં આગની ઘટના સામે આવી છે. સુરતના વેસુમાં લકઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડીંગના આઠમાં માળે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. આઠમાં માળે લાગેલી આગ પળવારમાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડીંગમાં વસવાટ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો.
લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે પાંચ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ટીમ હાલ કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. જોકે, આગ બૂઝાવતી વખતે એક ફાયર કર્મચારી દાઝી ગયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ગૃહરાજ્યમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્યિા બિલ્ડીંગમાં જ વસવાટ કરે છે. જોકે જે વિંગમાં આગ લાગી હતી તે વિંગમાં ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ઘર નથી. આગના પગલે ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ દોડતા થઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં કુલ 18 લોકોનું રેસ્કયુ કરાયું હતું.
15 લોકોને આગના સમયે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. ફાયરના જવાનો દ્વારા તમામ લોકોને કપડાથી ઢાંકીને નીચે લાવામાં આવ્યા હતા.ફાયરની સિસ્ટમ હતી પણ કેમ્પસમાં મોટી ફાયરની ગાડીઓ અંદર આવવા માટે મુશ્કેલી ઉભી હતી હતી. ભીષણ આગના કારણે રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ આગની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર એક્સલેન્સિયા બિલ્ડીંગના આઠમાં માળે સ્ટીમ બાથ ડિવાઈઝમાં આગ લાગી હતી જે બાદ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા અન્ય 3 માળને ઝપેટમાં લીધા. નવમો માળ ઝપેટમાં આવ્યો હતો. નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડાં, પીઓપી,પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. એટલું જ નહીં આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી. ગૃહરાજ્યમંત્રી જે બિલ્ડીંગમાં રહે તેની સામેેની વિંગમાંથી આગની ઘટના બનતા તેઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.