સુરતઃ આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ નેતા અન સુરતના જાણીતા સામાજિક કાર્યકર મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વલ્યું હતું પણ તેમની હાલત સ્થિર હોવાથી સૌને રાહતની લાગણી થઈ છે.


મહેશ સવાણીને સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો.  મહેશભાઈ સવાણીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં મહેશભાઈ સવાણીની હાલત સ્થિર હોવાનવા અહેવાલ છે.


થોડા સમય પહેલાજ આમ આદમી પાર્ટી છોડી


નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. સુરતના જાણિતા સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે.


મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.


'આપ'માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, 'મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.


મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે  મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.