રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ પ્રદેશ અધ્યશ્ર સી.આર.પાટીલના શહેર સુરત પહોંચ્યા છે. સીઆર પાટીલ સાથે વિજયભાઈ રૂપાણીના મતભેદ હોવાની ચાલતી અટકળો અને ચર્ચાને લઈને સવાલ પૂછાતા વિજય રૂપાણીએ કોઈપણ પ્રકારના મતભેદો ન હોવાનો દાવો કર્યો છે. એટલુ જ નહી પક્ષના કાર્યકર્તાઓના નાતે પક્ષના અધ્યક્ષ સી.આર.પાટીલને સહકાર આપતા રહેશે તેવી પણ વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. સુરતમાં વિજય રૂપાણીએ કહ્યું કે મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ.પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.
વિજય રૂપાણી આજે સુરતના પ્રવાસ દરમિયાન વોરા સમાજના ધર્મગુરૂની મુલાકાત કરશે. આ સાથે જ ઉદ્યોગપતિ ધોળકીયા પરિવારના લગ્ન સમારંભમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપમાં જૂથવાદના સમાચાર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી શહેર ભાજપમાં એન્ટ્રી કરીને સક્રિય રીતે જોડાયેલા છે અને રૂપાણી જૂથના મનાતા શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.
રામ મોકરિયાએ શહેર ભાજપ દદ્વારા તેને માન સન્માન આપવામાં ન આવતું હોવાની પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી અને પ્રદેશની સૂચનાથી ભાજપ કાર્યાલયના પ્રથમ માળે રામ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી હતી. રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી.
ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ વિવાદ સર્જ્યા પછી યુ ટર્ન લીધો હતો. તેમણે નિવેદન આપ્યું હતું કે, મીડિયા એની રીતે ચાલવે છે. આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે, તેમ મોકરિયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના યોજાયેલા ભાજપના સ્નેહમિલનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે કોઈ મુદ્દે રકઝક કરી રહ્યા હતા. આ સમયે સાંસદ મોકરિયા વચ્ચે આવતાં તેમને રૂપાણીએ બેસી જવા માટે કહ્યું હતું.