Dhiru Gajera helmet law: રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગરમીના કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું મુશ્કેલીરૂપ હોવાનું અને હેલ્મેટના કાયદાથી પ્રજા લૂંટાઈ રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમણે કારણ આપતા કહ્યું કે બપોરના સમયે જ્યારે ૪૦ થી ૪૫ ડિગ્રી તાપમાન હોય છે ત્યારે શહેરમાં કોઈપણ જગ્યાએ જવા માટે લોકોને ૩૦૦ થી ૪૦૦ મીટરના અંતરે ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેવું પડે છે. આ ગરમીમાં હેલ્મેટ પહેરવાથી પ્રજા માટે તે જોખમકારક બની શકે છે.

આ ઉપરાંત, ધીરુ ગજેરાએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે જો કોઈપણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે તો તેઓ પણ કહેશે કે શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવું જોખમી છે. તેમણે આ કાયદો બનાવનારા લોકો પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાની સુરક્ષાની વાતો કરનાર વ્યક્તિઓ એસી ચેમ્બરમાં બેસીને આ નિર્ણય લે છે. જો તેઓ પોતે એક વખત ગરમીમાં જઈને આ પરિસ્થિતિનો અનુભવ કરે તો તેમને ખ્યાલ આવશે કે પ્રજા કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

પૂર્વ ધારાસભ્યએ પોતાના પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે હેલ્મેટના નામે પ્રજા લૂંટાઈ રહી છે અને ગરમીમાં હેલ્મેટ પહેરવાથી લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડશે. એટલા માટે તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે અને શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કે મંદિરે જતી વખતે, લગ્નમાં જતી વખતે, શ્રદ્ધાંજલિમાં જતી વખતે કે પછી બાળકોને સ્કૂલે મૂકવા જતી વખતે હેલ્મેટ ક્યાં સાચવવું. ઘણી વખત વાહન પડી જવાથી હેલ્મેટ ચોરાઈ પણ જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમણે પ્રજાને પણ પોતાના વિસ્તારના સાંસદ, ધારાસભ્ય અને આગેવાનોને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરવા માટે અપીલ કરી છે, જેથી સરકાર આ કાયદા માટે યોગ્ય નિર્ણય લઈ શકે.