Surat News : સુરતમાં વિસર્જનની જેમ ગણેશ આગમન માટે ભપકાદાર યાત્રાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સુરતમાં કોરોના અને મોંઘવારી ભુલીને લોકો શ્રીજીમય બની રહ્યા છે. હજારોની મેદની અને લાખો રૂપિયાના  ખર્ચ સાથે શ્રીજીને મંડપમાં પધરામણી પહેલાં યાત્રા કાઢવામાં આવે છે. હવે નાના મંડળો પણ બાકાત નથી રહેતા. 


શ્રીજીના આગમનની ભવ્ય યાત્રા
સુરતમાં કોરોના બાદ કોઈ પણ જાતના પ્રતિબંધ વિના ગણેશ ઉત્સવની ઉજવણી માટે સુરતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતમા છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ વિસર્જનની જેમ જ ગણેશજીની પ્રતિમાની પધરામણી માટે શ્રીજી આગમન યાત્રા પણ ભપકાદાર થઈ રહી છે. પહેલાં મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતાં હતા પરંતુ હવે નાના મંડળ અને રહેણાંક સોસાયટીમાં પણ ગણેશ આગમન યાત્રા શ્રદ્ધા અને ભપકાથી કાઢવામાં આવી રહી છે. તેમાં પણ વીકએન્ડ હોવાથી શહેરના અનેક રસ્તા પર આવી આગમન યાત્રા જોવા મળી રહી છે.


આ વર્ષે કોઈ પ્રતિબંધ નથી
કોરોનાની સંપુર્ણ વિદાય થઈ નથી પરંતુ જુજ કેસ આવતાં હોવાથી સરકારે ઉત્સવની ઉજવણી માટે કોઈ પ્રકારના પ્રતિબંધ રાખ્યા ન હોવાથી લોકોમાં ગણેશોત્સવની ઉજવણી માટે અભુતપુર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં વર્ષો પહેલાં ગણેશજીની વિદાય યાત્રા એટલે વિસર્જન યાત્રામાં જ ભપકો અને મોટી મેદની જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમન યાત્રાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે તેમાં હવે ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.


આગમન યાત્રામા ગણેશ ભક્તોનું ઘોડાપુર
આગામી બુધવારે ગણેશ ઉત્સવની શરૂઆત  થાય તે પહેલાં શનિ-રવિની રજામાં મોટાભાગના મોટા ગણેશ આયોજકોએ  ગણેશ 
આગમન યાત્રા કાઢવાની શરુઆત કરી દીધી છે. જેના કારણે જે વિસ્તારમાં આગમન હોય તે વિસ્તારમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો ગણેશ આગમન યાત્રામાં જોડાઈ રહ્યાં છે અને તેને જોવા માટે પણ હજારો લોકો રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યાં છે. સુરતમાં છેલ્લા બે દિવસથી બાપાની આગમન યાત્રામા ગણેશ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે તે જોતાં ગણેશ આયોજકો અને ભક્તો ઉત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરશે તેવું નક્કી થઈ ગયું છે.


એક જ સરખા કપડા પહેરવાનો પણ ટ્રેન્ડ 
શહેરના કોટ વિસ્તાર અને રાંદેર- અડાજણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ  યાત્રામા મોટા લાઇટિંગ, ડીજે,  ઢોલ-નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી રહી છે.સુરતમાં પહેલાં મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતા હતા પરંતુ હવે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેઓ પણ આગમન યાત્રા કાઢી રહ્યાં છે. તેમાં સોસાયટીના રહીશો એક જ સરખા કપડામાં બાપાને વેકલમ કરી રહ્યાં છે.