Gujarat Assembly Election 2022: ગોપાલ ઇટાલિયાના પીએની પોલીસે અટકાયત કરી છે. શિવ કુમાર ઉપાધ્યાય નામક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. કતારગામ વિધાનસભાના મતદાર ન હોવા છતાં આપ કાર્યાલયમાં હાજર હતાં. કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. 188 મુજબ ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી છે. શિવ કુમાર ઉપાધ્યાય દિલ્હીનો હોવાની વાત સામે આવી છે. શિવ કુમાર ગોપાલ ઇટાલિયાની પોલિટિકલ સ્ટ્રેટેજી બનાવવાનું કામ કરતા હતા. દિલ્હી ખાતે રહીને ગોપાલ ઇટાલિયા માટે કામ કરતા હતા. હાલમાં સિંગણપોર પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
વલસાડમાં EVM બસમાંથી ઉતારી ફરી શાળામાં લઈ આવતા બબાલ
આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ જિલ્લાની ધરમપુરના કાકડકુવા ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે. કઈંક ખોટું થવાના ગામ લોકોના આક્ષેપથી મામલો ગરમાયો હતો. ભારે બબાલને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો
કોઈ છેડછાડ થઈ નથી: કલેકટર
વલસાડમાં કકડકુવા ગામના ઇવીએમમાં છેડછાડના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ છેડછાડ થઈ નથી. ઇવીએમ મશીન સીલ કરવાનું રહી ગયું હતું. એટલે સીલ કરવા મશીનો પાછા ઉતારી સીલ કરવામાં આવી રહ્યા હતા. કોઈ છેડછાડ થઈ નથી.
પરિણામ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યલયે કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો
આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 તારીખે પરિણામ આવશે. જો કે આ પરિણામ આવે તે પહેલા જ આજે ગીરમાં મતદાન પૂર્ણ થયા બાદ તાલાલા બેઠકમાં પ્રાચીની આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો મતગણતરી પહેલાં જ પોતાની જીત નક્કી કરી હોય તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.
પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.
રાજકોટ જિલ્લામાં મતદાન
રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકો પર કુલ 55.93 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી 8 તારીખે પરિણામ સામે આવશે.
રાજકોટ-68 પૂર્વ - 55.47
રાજકોટ-69 પશ્ચિમ- 55.50
રાજકોટ-70 દક્ષિણ- 53.50
રાજકોટ-71-રૂરલ- 61.42
ગોંડલ- 54.95
ધોરાજી -55.42
જેતપુર - 50.25
જસદણ-59.18
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કણજા ગામે હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું. મતદાન કરવા માટે આવતા લોકોને વિના મૂલ્યે સારવાર અપાઈ હતી. વહિવટી વિભાગએ હેલ્થ બુથ દ્વારા નવતર પ્રયોગ કર્યો હતો.