સુરતઃ સુરતના કીમ-માંડવી રોડ પર બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા 15 શ્રમજીવીઓને કચડી નાખ્યા છે. ઘટના રાતના 12 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હતો.  કોસંબા નજીક પાલોદ ગામની સીમમાં હાઈવે પર પૂરપાટે આવી રહેલ ટ્રક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.


ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં ત્યાં સૂતેલા 20 શ્રમિકને કચડી નાખ્યા હતા. ભરનીંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં અન્ય 3નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે. મૃતકો મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની છે. તમામ લોકો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.



ટ્રેકટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડયાં બાદ ડમ્પર ચાલકે ફૂટપાથ કૂદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું. જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા.



મૃતકોના નામઃ રાકેશ રૂપચંદ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, રજીલા મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનિષા, ચંપા બાલુ, બે વર્ષની છોકરી તથા એક વર્ષનો છોકરો.