સુરત: ગુજરાત  ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાને યુપી ચૂંટણી માટે સહ પ્રભારી બનાવાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની આગેવાનીમાં ચૂંટણી માટે ગુજરાતના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે. 165 જેટલા કાર્યકર્તા યુપી ચૂંટણી માટે પ્રચાર અર્થે જશે. 

11 જિલ્લા અને 2 મહાનગર ની જવાબદારી ગુજરાતને સોંપવામાં આવી છે. 3 મહિના સુધી ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્લીના ભાજપના કાર્યકર્તાને જવાબદારી સોંપાઈ છે. જનક બગદાણા સુરતમાં કરંજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પણ છે. તેઓ 2012માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 





ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ સહિતના તમામ મુખ્ય રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા પૂરી તાકાતથી મચી પડ્યા છે. ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તેથી ભાજપે અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.


 


ભાજપની આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજકોટ ભાજપ નેતાઓ પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે જશે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ભાજપના જુના અને ચૂંટણીના ચક્રવ્યૂહના માહિર નેતાઓ દોઢ મહિના સુધી ચૂંટણી પ્રચારમાં ઉતરશે.


 


ભાજપ સંગઠન દ્વારા પાંચ અનુભવી નેતાઓને પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ નેતા ધનસૂખ ભંડેરી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાંનગડ, કશ્યપ શુક્લ અને જયમીન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ ભૂતકાળમાં અનેક જ્વાબદારી સંભાળી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના અવધ  ક્ષેત્રની 71 બેઠક પર ભાજપને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ પાંચ નેતાને અવધ ક્ષેત્રની જવાબદારી અપાઈ છે.