સુરતઃ સુરતમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં કચરો વિણતી મહિલા પર કચરાવાળાએ કચરાનો ખડકલો કરીને તેને દાટી દીધી હતી. એ પછી જેસીબીએ મહિલાને કચરા સાથે જ મોટા ઢગલામાં ફેંકી દીધી હતી. કચરાના ઢગલાનીચે દટાઈને મહિલા ગુજરી જાય એવી સ્થિતી થઈ ગઈ હતી પણ કેટલાંક લોકોની સતર્કતાના કારણે સમયસર મહિલાને બહાર કાઢી લેવાતાં તે બચી ગઈ હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પીંગ સાઇટ પાસે કચરો વિણતી મહિલા પર કચરાવાળાએ મોટા પ્રમાણમાં કચરો નાખી દીધો હતો. તેના કારણે મહિલા કચરા નીચે દટાઈ ગઈ હતી. એ પછી કટરો ઉઠાવતી જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઉંચકીને કચરાના મોટા ઢગલા પર નાખી દીધી હતી. મહિલા સાથે કામ કરતી બીજી મહિલાને ખબર પડતાં તેણે લોકોને જાણ કરતાં આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.
અમરોલીમાં બવેલી ઘટના અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પિંગ સાઇટ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પિંગ સાઇટ પર બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન કચરો વીણતી હતી.
આ સમયે એક ટ્રેક્ટર ડ્રાયવર અને મજુરો કચરો નાખવા આવ્યા હતા. તેમણે કશું જોયા વિના જ કચરો નાખી દીધો હતો. આ કચરા નીચે નીતાબેન દબાઈ ગયા હતા. થોડા સમય સુધી નીતાબેન ના દેખાતાં રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો.
જેસીબીવાળાએ પણ આખો કચરો ઉંચકીને કચરાના મોટા ઢગલા પર ફેકી દીધો હતો. રજનીબેનને નીતાબેન કચરાની નીચે દબાઈ ગઈ હશે એવી શંકા જતાં તેણે બુમાબુમ કરી મૂકતાં લોકો ભેગાં થઈ ગયા હતા. લોકોએ સતર્કતા બતાવીને કચરો ખસેડવા માંડ્યો હતો. દસેક મિનિટની મહેનત પછી કચરામાંથી નીતાબેનને અધમૂઈ હાલતમાં બહાર કઢાયાં હતાં.
નીતાબેનને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.