અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગઈ કાલે કોરોનાને મ્હાત આપી હતી. જેથી તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતાં તેઓ પોતાના સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. હવે ચાર દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા આવતીકાલે એપોલો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. બીજી તરફ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના માટેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રૂપાણીએ પોતે ટેસ્ટ કરાવતા હોય તેનો વિડીયો બહાર પાડીને લોકોને ગભરાટ રાખ્યા વિના જ કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં લોકો સામે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવે એવું અભિયાન શરૂ કરાયુ છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી, જાહેરસભા, કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. આ કાર્યક્રમોમાં ભારે ભીડ જામતાં ઘણ નેતા અને કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા હતા. છેવટે ખુદ પાટીલ જ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, ગઈ કાલે તેઓ કોરોનામુક્ત થયા છે.