Surat: સોનાના વેચાણને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સોનાના વેચાણે રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ગુજરાતના પૉસ્ટ વિભાગના ઇતિહાસમાં પહેલીવાર માત્ર પાંચ દિવસમાં ગુજરાતીઓએ 19.53 કરોડનું ડિજિટલ સોનું ખરીદ્યું હોવાના સમાચાર છે, ભાવ વધ્યો હોવા છતાં રેકોર્ડબ્રેક 33 કિલો સોનાનું વેચાણ થયુ છે. આ આંકડો એ ખરેખરમાં ચોંકાવનારો છે. જાણો વિગતે...
મહત્વનું છે કે, અન્ય રોકાણોની સરખામણીમાં સુરક્ષિત રોકાણ તરફ રાજ્યના રોકાણકારો અત્યારે વળી રહ્યાં છે. પૉસ્ટ વિભાગ દ્વારા ગઇ 19 જૂનથી 23 જૂન સુધી ડિજિટલ ગૉલ્ડ એટલે કે, સૉવેરિયન ગૉલ્ડ સ્કીમ લૉન્ચ કરી હતી. જેમાં ગુજરાત પૉસ્ટ વિભાગના ઈતિહાસમાં પ્રથમવાર સૌથી વધારે ડિજિટલ ગૉલ્ડનું વેચાણ થયું છે. માત્ર 5 જ દિવસમાં 19.53 કરોડ રૂપિયાનું 32.967 કિલો ડિજિટલ ગૉલ્ડ વેચાયું છે. ડિસેમ્બર 2023માં પણ 5 દિવસની સ્કિમમાં 13.68 કરોડનું 25.301 કિલો ડિજિટલ ગૉલ્ડ વેચાયું હતું.
ડિસેમ્બર 2023માં એક ગ્રામ ડિજિટલ ગૉલ્ડનો ભાવ 5409 રૂપિયા હતો જ્યારે જૂન 2023માં ડિજિટલ ગૉલ્ડનો ભાવ 517 રૂપિયા વધીને 5926 રૂપિયા થયો હોવા છતાં ડિસેમ્બર 2022ની સ્કિમની સરખાણીમાં જૂન 2022માં 8 કિલો ડિજિટલ ગૉલ્ડ વધારે વેચાયું છે. આ સ્કિમમાં 6 કિલો ગૉલ્ડના વેચાણ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે અમદાવાદમાં 3.56 કિલો, વડોદરામાં 1.74 કિલો જ્યારે રાજકોટમાં માત્ર 886 ગ્રામ જ ડિજિટલ ગૉલ્ડનું વેચાણ થયું છે.
જૂન 2023માં 5 દિવસમાં વેચાયેલું ડિજિટલ ગૉલ્ડ
શહેર સોનું વેચાયું(ગ્રામ) કેટલાનું વેચાયું
અમદાવાદ 3565 ગ્રામ 2.11 કરોડ
ગાંધીનગર 2011 ગ્રામ 1.19 કરોડ
અમરેલી 1852 ગ્રામ 1.09 કરોડ
ભાવનગર 1369 ગ્રામ 81 લાખ
રાજકોટ 886 ગ્રામ 52 લાખ
સુરત 6116 ગ્રામ 3.62 કરોડ
વડોદરા 1744 ગ્રામ 1.03 કરોડ
અન્ય 32967 ગ્રામ 19.53 કરોડ
(એક ગ્રામ ગૉલ્ડનો ભાવ 5926 રૂપિયા હતો)
2017માં કરેલું રોકાણ બમણું થયું -
સુરત હેડ પૉસ્ટ ઓફિસના જનસંપર્ક અધિકારી નિરજ ચિનાઈએ કહ્યું હતું કે, પૉસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ સોનાની સ્કિમ બહાર પાડવામાં આવે છે, વર્ષ 2017ની સ્કિમમાં જે લોકોએ રોકાણ કર્યુ હતું તેમના રૂપિયા હાલ ડબલ થઈ ગયા છે. આ 5 દિવસની સ્કિમમાં પૉસ્ટ ઓફિસના ઈતિહાસમાં સૌથી વધારે ડિજિટલ ગૉલ્ડનું વેચાણ થયું છે.