અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી કપરાડા પારડી વિસ્તારમાં વરસાદ સાથે  પવન ફૂંકાયો. પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને કારણે લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.


વાપીમાં વરસાદના વધામણાં થયા છે. વહેલી સવારે ધીમીધારે શરૂ થયો વરસાદ. ગરમીથી લોકોને મળી આંશિક રાહત.બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી  વરસાદ શરૂ થયો છે. જોકે, આંબા વાડી ધરાવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન પર સર્જાયાલા લો પ્રેશરથી વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં ૪૧ ડિગ્રી તપામાન નોંધાયું હતું. જ્યારે આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. 


દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગે કરી છે આ આગાહી. રાજસ્થાન પર સર્જાયેલી લૉ પ્રેશર સિસ્ટમ હજુ સક્રિય છે. જેને લઈ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. તો પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે, રાજ્યના અન્ય વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. તો 2 દિવસ બાદ ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગના મતે 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. મંગળવારે અમદાવાદ અને રાજકોટમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હજુ પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે.


રાજકોટમાં વરસાદ


રાજકોટમાં મંગળવારે બપોર બાદ શરુ થયેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના કુવાડવા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ વરસાદ જ રસ્તા પાણી-પાણી થયા હતા. નીચાણવાળો વિસ્તાર હોવાથી રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો રાજકોટના શહેરના ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ, દોઢસો ફૂટ રિંગ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને લઈ રાજકોટવાસીઓને ગરમીથી તો રાહત મળી પરંતુ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદ


દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ પડ્યો હળવો વરસાદ પણ વલસાડના ભીલાડમાં સવારે વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. તો વલસાડના તીથલના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો હતો. તીથલના દરિયા કિનારે ફરવા આવતા સહેલાણીઓને ગરમીથી રાહત મળી હતી.


તો નવસારીના બીલીમોરા શહેરમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. શહેરના સોમનાથ રોડ, દેવસર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ગરમીથી લોકોને રાહત મળી હતી.


તો તાપીના જિલ્લાના ડોલવણ તાલુકાના ગામોમાં હળવો વરસાદ વરસ્યો હતો. તો સુરત શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં 10થી વધુ ઝાડ પડવાના મહાનગરપાલિકાને કોલ મળ્યા હતા. વાદળછાયું વાતાવરણ અને ભારે પવનને લઈ 2 ફ્લાઈટ પણ રદ કરાઈ હતી. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મેઘરજ પંથકમાં સવારે કાળા ડિબાંગ વાદળ છવાયા બાદ વરસાદી છાંટા પડ્યા હતા.  તો દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ધાનપુર અને દેવગઢ બારિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.