Rain: ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે, આ ઉપરાંત મજૂરા, નાનપુરા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે, એટલુ જ નહીં શહેરના લિંબાયત, ઉધના, પાલ, અડાજણ વિસ્તારોમાં ભર બપોરે વરસાદી માહોલ છવાયો છે. અચાનક બપોરના સમયે શરૂ થયેલા વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે, અને લોકો અટવાયા છે.   


ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે લેશે વિદાય


ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


રાજ્યમાં વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.   27 સપ્ટેમ્બરના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ  સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.   


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.