• સુરતમાં આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકાર પરિવારે તાપી નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો.
  • મૃતકોમાં 40 વર્ષીય રત્નકલાકાર વિપુલ દેવગણિયા, તેમની પત્ની સરિતાબેન અને 12 વર્ષનો પુત્ર વ્રજ સામેલ છે.
  • પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.
  • એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી રત્નકલાકાર સમાજ અને સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
  • આ ઘટનાએ હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ અંગે ફરી ચિંતા ઊભી કરી છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Surat mass suicide 2025: સુરતમાં આર્થિક તંગીના કારણે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ગલતેશ્વર નજીક એક રત્નકલાકારે પોતાની પત્ની અને પુત્ર સાથે તાપી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી રત્નકલાકાર સમાજ અને સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય રત્નકલાકાર વિપુલ રવજીભાઈ દેવગણિયા, તેમની પત્ની ૩૮ વર્ષીય સરિતાબેન વિપુલભાઈ દેવગણિયા અને ૧૨ વર્ષીય પુત્ર વ્રજ દેવગણિયાએ આર્થિક તંગીથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પરિવારે કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીના પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ગમખ્વાર ઘટના બાદ ત્રણેયના મૃતદેહોને સુરત કતારગામ સ્થિત તેમના નિવાસસ્થાન ખાતે લાવવામાં આવશે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા તેમના નિવાસસ્થાન ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજના આગેવાનો અને સંબંધીઓ એકત્ર થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આર્થિક તંગીના કારણે પરિવારે આટલું મોટું પગલું ભર્યું હોવાનું સામે આવતા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની સ્થિતિ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર પરિવારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે અને મૃતકોને અંતિમ વિદાય આપશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવાર દ્વારા આત્યંતિક પગલું ભરવા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમાજમાં આર્થિક પડકારો અને તેના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.