સુરત: સુરતના દરિયામાં વાવાઝોડાને લઈ કરંટ જોવા મળી રહ્યો છે.  3 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  દક્ષિણ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થશે. 28મી સુધી ચક્રવાતનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન  40થી 70 કિમીના પવન તથા ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.  કોંકણ-ગોવા નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાત બનશે.  આ ચક્રવાત મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીકથી પસાર થનાર હોવાથી ભારતીય હવામાન વિભાગ એક્ટિવ થયું છે. 

હવામાન વિભાગે એલર્ટ મોડ પર આવી ચક્રવાતને લઇ સુરતમાં આગામી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ ઉપરાંત 40થી 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જ્યારે 28 મેના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું  છે. 

ચક્રવાતને લઇ પાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. પાલિકાએ ICCC ખાતે 22 મેથી ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે.  સામાન્ય રીતે 1 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ થાય છે. એક ડેપ્યુટી ઇજનેર અને 2 ટેકનિકલ આસિટન્ટને કંટ્રોલ રૂમમાં જવાબદારી સોંપાઇ છે. 

ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

 

 

અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે.  આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં  પરિવર્તિત થશે.  રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.  માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં 

ગુજરાત પર સંભવિત વાવાઝોડાની આફતને લઈ સરકાર એક્શનમાં છે.  ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે.  દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.  જૂનાગઢના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્યઉદ્યોગ નિયામક કચેરીએ  નિર્ણય કર્યો છે.   25 મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.