નવસારી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. નવસારી, તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તાપી, ડાંગ, નવાસારી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું હતું.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ
નવસારી જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. નવસારી તાલુકા અને ગણદેવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ, જલાલપોર, ચીખલી અને વાંસદામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી શહેરના જુનાથાણા સ્ટેશન રોડ, ડેપો, મંકોડીયા, ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. થોડા સમય માટે વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો પણ હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબુર બન્યા હતા.
ઉપરવાસમાં વરસેલા વરસાદથી પંચાયત હસ્તકના સાત રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકાના 3, ચીખલી તાલુકના બે અને ખેરગામ અને વાંસદા તાલુકાનો એક એક માર્ગ ઓવરટોપિંગને લીધે બંધ થયો. ગુરૂકુળસુપા અને કુરેલ ગામને જોડતો લો લાઈન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો.
તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ
તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં જ સોનગઢ તાલુકામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉચ્છલ તાલુકામાં બે ઈંચ, વ્યારા અને વાલોડ તાલુકામાં દોઢ દોઢ ઈંચ અને ડોલવણ તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે રોડ-રસ્તા પાણી પાણી થયા.
મોડી રાત્રે સુરતમાં વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. મોરાભાગળ ચાર રસ્તા પર વાહનોના પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જવા મળ્યા.
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ
ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આહવા, વઘઈ, સુબિરમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. સાપુતારા ઘાટ માર્ગ અને મહારાષ્ટ્રને જોડતા હાઈવે પર ધુમ્મસને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ગીરા, ખાપરી, અંબિકા, પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો. સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા જિલ્લા પંચાયત હસ્તકના ચાર જેટલા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થયા છે.