TAPI : કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ સુરત અને તાપી જિલ્લાના પ્રવાસે છે. અમિત શાહ તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં હાજરી આપશે. અહીં અમિત શાહ સુરત-તાપી જિલ્લાના 1 લાખથી વધુ પશુપાલકોને સંબોધન કરશે. આ સાથે જ તેઓ સુમુલડેરીના ચક્કી આટા પ્લાન્ઉટનું ઉદ્ઘાટન કરશે, તેમજ  સુમુલડેરીનાઆધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના સહકાર મંત્રી ઉપસ્થિત  રહેશે.


ભારતમાં કોરોના રસીકરણનો આંક 180 કરોડને પાર
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3116 કેસ નોંધાયા છે અને 16 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 40 હજારથી ઓછા થયા છે. રસીકરણનો કુલ આંકડો 180 કરોડને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી.


કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે. દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી લીધા છે અને જનજીવનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. ટાટા ઈન્સ્ટિટયૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ કોરોના મહામારી અંતિમ તબક્કામાં પહોંચી નથી. દેશમાં ભવિષ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરોના મહામારી ખતમ થઈ છે કે નહીં તેનો આધાર નવો કોઈ વેરિઅન્ટ સામે આવે છે કે નહીં તેના પર છે તેમ તેમણે કહ્યું હતું.



ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરાનાના કારણે અમુક પ્રાંતમાં લોકડાઉન પણ લગાવાયું છે. રવિવારે ચીનમાં 3,393 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વદુ કેસ છે.


ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, ફેબ્રુઆરી 2020 પછી કોરોના કેસનો આ સૌથી વધુ દૈનિક આંકડો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે શાંઘાઈમાં શાળાઓ બંધ કરી દીધી છે અને પૂર્વોત્તરના ઘણા શહેરોમાં લોકડાઉન પણ લગાવી દીધું છે. ચીનના અનેક શહેરોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે.


ચીનની સાથે દક્ષિણ કોરિયા, હોંગકોંગ, વિયેતનામ જેવા દેશમાં પણ મામલા ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, અહીં ઓમિક્રોનના કેસ વધવાની સાથે મોતનો આંકડો પણ વધ્યો છે.