Surat Diamond Bourse: શહેરમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તમને જણાવી દઈએ કે, ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો આવેલી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાયમંડ બુર્સનું હાલ તો વહેલી તકે ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એક સાથે આરતી કરાશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.
સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે. સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે. ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.
ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ લેબ ગ્રોન ડાયમંડે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
SURAT : સુરતની ગ્રીનલેબે હીરા જગતમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સુરતની ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ લેબ ગ્રોન ડાયમંડે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો છે. સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજની મોડર્ન દુનિયાને અનુરૂપ લક્ઝુરીયસ ફેશનને અફોર્ડેબલ તેમજ હીરો હર એકને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્મિત માનવ સંચાલિત લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.
આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.