સુરત: સુરતમાં વધુ એક વખત હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ સુતેલી પત્નીની બે દીકરીઓની આંખ સામે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક ગોડાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. ખાસ કરીને કામ બાબતમાં પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી તકરારમાં પતિ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે તકરાર
સમગ્ર અહેવાલ અનુસાર, સુરતમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટનાને અંજામ આપવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવદગામ ખાતે આવેલ સન્ડે લગુન એપાર્ટમેન્ટના સી/૧૩૦૨, ફ્લેટમાં જયસુખભાઈ લાખાભાઈ વાણીયા પત્ની નમ્રતા અને બે દીકરીઓ સાથે રહેતા હતા. જયસુખભાઈ ઓનલાઇન એપ દ્વારા આવતા ઓર્ડરની ડીલીવરીનું કામ કરતા હતા. જ્યારે પત્ની અન્ય જગ્યા પર ફિક્સ નોકરી કરતા હતા. બંનેને કામ ધંધાને લઈને છેલ્લા લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. બે દિવસ પહેલા પણ આ બાબતે ઝઘડો થયો હતો.
દીકરીઓની હાજરીમાં પત્નીનું ગળું કાપી નાખ્યું
ગઈકાલે મોડી રાત્રે આ બાબતે ઝઘડો થતાં આવેશમાં આવેલા પતિ જયસુખભાઇ દ્વારા ઘરમાં રહેલું શાકભાજી કાપવાના ચપ્પુ વડે બે દીકરીઓની હાજરીમાં પત્નીનું ગળું કાપી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. જો કે ઘટનાની જાણ સ્થાનિક લોકોએ રાત્રે પોલીસને કરતા ગોડાદરા પોલીસ બનાવવાની જગ્યા પર દોડી જઈ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. હત્યારા પતિ જયસુખભાઈની ધરપકડ પણ કરી હતી. આમ પરિવારનો સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈ જાય બે દીકરીઓની હાજરીમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવાની ઘટનાને લઇ પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી ગયું હતું.
તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
આ હત્યાની ચોંકાવનારી ઘટના બાદ દીકરીઓએ દાદાને ઉઠાડ્યા હતા અને નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.
Surendranagar: પાટડીના વડગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાથી ખળભળાટ