Ice Cream News: રાજ્યમાં ગરમીની ઋતુ જામી છે, આકરો તાપ પડવાનો શરૂ થઇ ગયો છે, એપ્રિલ મહિનામાં લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે અને ઠંડક મેળવવા માટે લોકો આઇશ ડીશ કે આઇશ ગોલાનો સહારો લેવા લાગ્યા છે, ત્યારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આઇશ ડીશ અને આઇશ ગોલાનો બિઝનેસ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીકળ્યા છે. સુરતમાં પાલિકાની પબ્લિક હેલ્થ લેબૉરેટરીમાં ટેસ્ટિંગના નમૂના ફેઇલ નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું છે. હાલમાં આ મામલે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરાઇ છે. 


તાજેતરમાં જ સુરતમાં પાલિકાની ટીમે ઉનાળામાં આઇશ ડીશ અને આઇશ ગોલાના વિક્રેતાઓ પર દરોડાના કાર્યવાહી કરી હતી, જેમાં ટેસ્ટિંગ દરમિયાન આના નમૂના ફેઇલ થયા હતા. સુરત શહેરના 16 આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, 16 પૈકી 3 સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના હાલમાં જ લેબૉરેટરીમાં ફેઇલ થયા છે. સીરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબૉરેટરીમાં ફેઇલ નીકળ્યા છે. શહેરના આનંદ મહેલ રૉડ ઉપર આવેલી રજવાડી મલાઈ ગોલા નામની સંસ્થામાંથી લેવામાં ક્રીમના આ નમૂના ફેઇલ થયા છે. ક્રીમમાં મિલ્કફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે, 60 ટકા મિલ્કફેટ હોવું જરૂરી છે જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું આવ્યુ છે. 


આ ઉપરાંત સુરત શહેરના સિંગણપોરની જે.બી. આઈશ ડિશ ગોલા સેન્ટરમાંથી લેવામાં આવેલો "ઓરેન્જ સીરપ"નો નમૂનો પણ ફેઇલ નીકળ્યો છે. નમૂનામાં "ટૉટલ સૉલ્યૂબલ સૉલાઈડ"ની માત્ર 65 ટકા હોવી જરૂરી છે જેની સામે આ પ્રમાણ ઓછું મળી આવ્યું છે. જ્યારે આનંદ મહેલ રૉડ પર આવેલી રાજ આઈશ ડિશના ક્રીમના નમૂના ફેઇલ નીકળ્યા છે. આમાં પણ મિલ્કફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. આમ શહેરની આ ત્રણેય સંસ્થાઓ વિરૂદ્ધ સુરત પાલિકાના આરોગ્ય અમે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, વિભાગે એડજ્યૂકેટિંગ ઓફિસર સમક્ષ આ અંગે ફરિયાદ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 22 લીટર સીરપ અને ક્રીમનો જથ્થો નાશ કરાયો છે.