સુરત: શહેર પોલીસની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પુત્રની કેન્સરની સારવાર માટે માતાએ ફ્લેટ ગીરવે મૂક્યો હતો. જેને  વ્યાજખોરો પચાવી પાડે તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી હતી અને મહિલાને તેમનો ફ્લેટ પરત મળ્યો હતો. વ્યાજખોરે 15 લાખનો ફ્લેટ પચાવી પાડતાં મહિલાએ પોલીસ પાસે મદદ માગી હતી. જો કે ફરિયાદ દાખલ થાય તે પહેલાં જ વ્યાજખોરે મહિલામે આ ફ્લેટની ફાઈલ બારોબાર પરત કરી દીધી હતી.


વરાછામાં રહેતા ચંપાબેન અજુડીયાના દીકરાને બ્લડ કેન્સર હોવાથી સારવાર માટે રુપિયાની જરૂર હતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પુત્રની સારવાર ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. તેથી માતાએ ફલેટ ગીરવે મુકી સારવાર શરૂ કરાવી હતી. ચંપાબેને વ્યાજખોર મેહુલ રીબડીયા અને ભરત બોઘા સાટીયા ઉર્ફે લાખા ભરવાડ પાસેથી 5 ટકા વ્યાજે 5 લાખની રકમ લીધી હતી. લગભગ મહિલાએ દોઢ વર્ષ સુધી વ્યાજની રકમ આપી હતી બાદમાં કોરોના આવી જતા મહિલાએ વ્યાજની રકમ ભરવી મુશ્કેલ હતી. બીજી તરફ પુત્રની અમદાવાદ ખાતે કેન્સરની સારવાર ચાલી રહી હતી. એટલામાં મહિલાએ વ્યાજ આપી ન શકતા વ્યાજખોરોઓએ ફલેટ પર કબજો કરી લીધો હતો અને ફલેટ ભાડે આપવાનું શરૂ કરી દીધું હતું.


વ્યાજે રૂપિયા લીધા ત્યારે મહિલાની ફલેટની ફાઇલ પણ વ્યાજખોર લઈ ગયા હતા. 5 લાખની સામે વ્યાજખોરોએ 15 લાખના ફલેટ પર કબજો કરી લીધો હતો. મહિલા હાલમાં તેના પુત્રની સારવારને લઈ અમદાવાદના ચક્કર કાપી રહી છે ત્યારે ફલેટ પચાવી પાડતા મહિલાએ પોલીસ કમિશનરને અરજી આપી હતી. જેના આધારે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી હતી. પોલીસ ગુનો દાખલ કરે તે પહેલા વ્યાજખોરે બારોબાર મહિલાને તેના ફલેટની ફાઇલ આપી દીધી અને ફલેટનો કબજો પરત સોંપી દીધો હતો.